મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્ક (કેન્દ્ર સરકાર)એ બહાર પાડેલી નવી ચલણી નોટો વિશે મુંબઈ હાઈકોર્ટે ખાસ ટકોર કરી છે. કોર્ટનું કહેવું છે કે આ નવી નોટો જલદી ઓળખી શકાતી નથી.
મુખ્ય ન્યાયમૂર્તિ પ્રદીપ નંદરાજોગ તથા ન્યાયમૂર્તિ નીતિન જામદારની બેન્ચે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે અંધ વ્યક્તિને તો શું, પણ આંખે દેખતા લોકોથી પણ નવી ચલણી નોટો જલદી ઓળખી શકાતી નથી. અંધજન વ્યક્તિઓ નવી ચલણી નોટો જલદી ઓળખી શકે એ માટે ડેવલપ કરવામાં આવેલી મોબાઈલ એપમાં હજી વધારે સુધારા કરવાનો કોર્ટે ભારતીય રિઝર્વ બેન્કને આદેશ આપ્યો છે.
નોટબંધી બાદ દેશમાં ચલણમાં મૂકવામાં આવેલી નવી નોટો કેટલા મૂલ્યની છે એ સ્પર્શથી ઓળખવા માટેના આવશ્યક ફીચર્સ ન હોવાની રજૂઆત નેશનલ એસોસિએશન ઓફ બ્લાઈન્ડ્સ (NAB) સંસ્થા વતી હાઈકોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી છે.
નવી નોટોને ઓળખવા માટે મોબાઈલ એપ ડેવલપ કરવાના અગાઉ હાઈકોર્ટે અગાઉ આપેલા આદેશને પગલે ભારતીય રિઝર્વ બેન્કે એવી એપ તૈયાર કરવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ એણે એ એપ તૈયાર કરાવીને ગયા શુક્રવારે કોર્ટ સમક્ષ ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું હતું. આ એપની વિશેષતા એ છે કે મોબાઈલ ફોનના કેમેરા નીચે ચલણી નોટ મૂકતાં જ એ કેટલા મૂલ્યની છે એનો અવાજવાળો સંદેશ મોબાઈલમાંથી સાંભળી શકાય છે. પરંતુ, અમુક વખત 100 અને 50 રૂપિયાના મૂલ્યની ચલણી નોટ આ એપ દ્વારા ઝડપથી ઓળખી ન શકાતાં કોર્ટે એની નોંધ લીધી છે.
વળી, મોબાઈલમાં ઈન્ટરનેટ સુવિધા ન હોય તો આ એપ કેવી રીતે વાપરવી? એવો સવાલ પણ ન્યાયાધીશોએ કર્યો હતો.
એ વખતે ન્યાયાધીશોએ ટકોર કરી હતી કે નવી નોટો અંધ વ્યક્તિઓને તો શું, પણ આંખે દેખતી વ્યક્તિઓને પણ ઓળખવામાં થોડીક મુશ્કેલી પડતી હોય છે.
કોર્ટે આ બાબતમાં વધુ સુનાવણી 4 જુલાઈએ કરવાનું ઠેરવ્યું છે.