દિલચસ્પ રહ્યો ‘સંવિત્તિ’ સંસ્થા યોજિત કાર્યક્રમ ‘મળો, ટીમ ચિત્રલેખાને – વાચકો સાથે સંવાદ’

મુંબઈ – ‘ગુજરાતી સમાજનું લાડકું મેગેઝિન ‘ચિત્રલેખા’ ૬૯ વર્ષ પૂરા કરીને ૭૦મા વર્ષમાં પ્રવેશ્યું છે એ ઝળહળતી સફળતા કોઈ એક વ્યક્તિને નહીં, પણ સમગ્ર સ્ટાફ અને સપોર્ટ-સ્ટાફની સંગઠિત તાકાતને આભારી છે,’ એમ ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ ‘સંવિત્તિ’ સંસ્થા દ્વારા અહીં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

કાર્યક્રમ હતો – ‘મળો, ટીમ ચિત્રલેખાને – વાચકો સાથે સંવાદ’.

કળા, સાહિત્ય, સંસ્કૃતિ અને વિજ્ઞાન વિષયક જાગરૂકતા કેળવવા છેલ્લા સાડાપાંચ વર્ષથી સતત કાર્યરત સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા શનિવાર, 27 એપ્રિલે, કાંદિવલીમાં ટી.પી.ભાટિયા કૉલેજ, પંચોલિયા સભાગૃહમાં અને કાંદિવલી એજ્યૂકેશન સોસાયટી સંસ્થાનાં સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સંવિત્તિ’ એટલે સજાગતા, સભાનતા, જાગરૂકતા, સાહિત્ય-કળા-સંસ્કૃતિ-જ્ઞાન-વિજ્ઞાનની સન્મુખ થવાનો સેતુ. ‘સંવિત્તિ’ સંસ્થાનો આ ૬૫મો કાર્યક્રમ હતો અને છેલ્લા સાત દાયકાથી સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની ગૌરવવંતી અવિરત યાત્રાને બિરદાવવાનાં અવસરે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ વખતે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા – મૌલિક કોટક (‘ચિત્રલેખા’ ગ્રુપ ચેરમેન), મનન કોટક (વાઈસ-ચેરમેન અને ડિજિટલ વિભાગના હેડ), ભરત ઘેલાણી (તંત્રી), વરિષ્ઠ રાજકીય સમીક્ષક અને ‘ચિત્રલેખા’ની ‘ભારતનું મહાભારત’ કોલમનાં લેખક નગીનદાસ સંઘવી તથા પત્રકારો – હીરેન મહેતા, કેતન મિસ્ત્રી, દેવાંશુ દેસાઈ, સમીર પાલેજા અને મોના શેઠ. ટીમ ચિત્રલેખાનાં આ સભ્યોએ વાચકોએ પૂછેલા સવાલોનાં જવાબ આપ્યાં હતાં અને એમનાં અનુભવોની રસપ્રદ વાતો પણ કરી હતી.

તંત્રી ભરત ઘેલાણીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતી પત્રકારત્વમાં ‘ચિત્રલેખા’એ તેની આ સફરમાં નવા 9 નવલકથાકારોને એમની ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો મોકો આપ્યો છે.

‘ચિત્રલેખા’માં પ્રકાશિત થયેલી પહેલી નવલકથા કઈ હતી? એવા સવાલના જવાબમાં ચેરમેન મૌલિક કોટકે જણાવ્યું હતું કે એમના પિતા અને ‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી વજુ કોટકે 1950ની 22 એપ્રિલે ‘ચિત્રલેખા’ મેગેઝિન શરૂ કર્યું હતું અને ત્યારે પ્રકાશિત થયેલી પહેલી નવલકથા હતી ‘ઘરની શોભા’. એ નવલકથા પહેલા જ અંકથી લોકપ્રિય બની હતી એને પોણા બે વર્ષ સુધી ચાલી હતી.

‘ચિત્રલેખા’ મેગેઝિન પ્રિન્ટિંગની દ્રષ્ટિએ એવરગ્રીન રહ્યું છે એ વિશે જાણકારી આપતાં મૌલિક કોટકે કહ્યું કે પોતાને શરૂઆતથી જ ફોટોગ્રાફીનું આકર્ષણ રહ્યું છે. એમનો એ શોખ પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં, પ્રિન્ટિંગની ક્વોલિટી સુધારવામાં કામ લાગ્યો. પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં અપડેટ રહેવા માટે પોતે ઘણા વિદેશ પ્રવાસો કર્યા છે અને નિષ્ણાતો સાથે મુલાકાતો અને ચર્ચા કરી છે.

‘આજે ડિજિટલનો જમાનો છે તો ‘ચિત્રલેખા’નો ડિજિટલ વિશે શું પ્લાન છે?’ એ સવાલના જવાબમાં ગ્રુપના વાઈસ-ચેરમેન મનન કોટકે કહ્યું કે ‘ચિત્રલેખા’ હંમેશાં ડિજિટલ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગ્રુપના ફિલ્મ મેગેઝિન ‘જી’ની વેબસાઈટ 1996-97માં શરૂ કરવામાં આી હતી. ‘જીમેગેઝિન ડોટ કોમ’ એ ભારતમાંથી શરૂ થયેલું પ્રથમ ઓનલાઈન મેગેઝિન હતું.

‘ચિત્રલેખા’ને અત્યાર સુધીમાં પ્રિન્ટિંગ, કલાત્મક ડિઝાઈન તથા ન્યૂઝ કવરેજ માટે મળેલા અનેક એવોર્ડ્સની પણ મનન કોટકે જાણકારી આપી હતી. એમણે કહ્યું કે ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મિડિયામાં ‘ચિત્રલેખા’ના 18 લાખથી વધારે ફોલોઅર્સ છે જેમાં 80 ટકા લોકો 30 વર્ષથી નીચેની વયનાં છે. આમ, ‘ચિત્રલેખા’ પ્રિન્ટ તેમજ ડિજિટલ, એમ બંને ક્ષેત્રે જુદી જુદી રીતે આગળ વધી રહ્યું છે.

નવી પેઢી સુધી પહોંચવા માટે ‘ચિત્રલેખા’એ કયા નિર્ણય લીધાં છે? એ સવાલના જવાબમાં મનન કોટકે કહ્યું કે, ‘અમે ઘણી શાળાઓની લાઈબ્રેરીઓમાં ‘ચિત્રલેખા’ 50 ટકા ડિસ્કાઉન્ટમાં આપીએ છીએ.’

પત્રકાર હીરેન મહેતાએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થાની સિદ્ધિઓની છણાવટ કરી હતી અને કહ્યું કે ‘ઈસરો’નું આ 50મું વર્ષ છે અને ‘ચંદ્રયાન’ તથા ‘મંગળયાન’ લોન્ચ કરીને ભારતે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે કારણ કે પહેલા જ પ્રયાસમાં યાનને અવકાશમાં લોન્ચ કરવામાં સફળતા હાંસલ કરનાર ભારત દુનિયાનો માત્ર ચોથો જ દેશ છે. અન્ય ત્રણ દેશ છે – અમેરિકા, ચીન અને રશિયા.

દેવાંશુ દેસાઈએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ‘લતા મંગેશકરનો ઈન્ટરવ્યૂ મારા માટે ખૂબ યાદગાર રહ્યો છે, કારણ કે હું જ્યારે લતાજીની મુલાકાત માટે એમનાં ઘેર ગયો હતો ત્યારે એ બહુ વ્યસ્ત હતા. એ વખતે તો મોબાઈલ ફોન નહોતા અને લતાજીએ બાદમાં ‘ચિત્રલેખા’ની ઓફિસમાં સામેથી ફોન કરીને મને મુલાકાત આપી હતી.’

‘ચિત્રલેખા’નાં ‘પ્રિયદર્શિની’ વિભાગમાં આવતી ‘વાચા’ કોલમનાં માનસી શ્રોફ એટલે કે મોના શેઠે એક સવાલનાં જવાબમાં કહ્યું કે અમુક અનુભવો અને ઘટનાઓમાંથી રસપ્રદ વિગતોને તારવવામાં આવે છે. એવી વિગતો સાચાં પાત્રોમાંથી મળતી નથી એટલે કાલ્પનિક પાત્રો દ્વારા એને રજૂ કરવી પડે છે.

મોના શેઠે એક અન્ય સવાલનાં જવાબમાં જાણીતા ફિલ્મ કોમેડિયન જોની લિવરની પુત્રી જેમી લિવરની પોતે લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેમીને પહેલો ફિલ્મ રોલ કોઈ લાગવગથી નહીં, પણ ‘ચિત્રલેખા’માં પ્રકાશિત થયેલી ઓનલાઈન વિડિયો-મુલાકાતને આધારે મળ્યો હતો. નિર્માતા અબ્બાસ-મસ્તાને એ વિડિયો મુલાકાતની ક્લિપ જોઈ હતી અને જેમીની કોમિક ટેલેન્ટથી પ્રભાવિત થઈને એમને રોલ આપ્યો હતો.

કેતન મિસ્ત્રીએ કહ્યું કે, એમણે અત્યાર સુધીમાં અનેક મહાનુભાવોની મુલાકાત લીધી છે, પણ મુકેશ અંબાણી, અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, સુરેશ દલાલની લીધેલી મુલાકાતો એમને માટે ખરેખર યાદગાર બની રહી. ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવશે એવું મુકેશ અંબાણીએ 16 વર્ષ પહેલાંની એ મુલાકાતમાં ભવિષ્ય ભાંખ્યું હતું.

આયુષ્યની સદી વટાવી ચૂકેલા નગીનદાસ સંઘવીએ પૂછવામાં આવ્યું કે, ‘તમારા મતે જીવનો મર્મ શું છે?’ ત્યારે એમણે જવાબમાં કહ્યું કે, ‘જીવતર વિશે ચિંતા કર્યા વગર જિંદગી જીવવી.’

આટલા વર્ષોમાં દેશના રાજકારણમાં તમને શું બદલાવ આવેલો જણાયો છે? એ સવાલના જવાબમાં નગીનદાસ સંઘવીએ ઈંગ્લેન્ડ અને અમેરિકાની લોકશાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણે સરકારની માત્ર ટીકા અને નિંદા જ કરવી ન જોઈએ. દેશે આપણા માટે શું કર્યું એના કરતાં આપણે દેશ માટે શું કર્યું એ વિચારવું જોઈએ.

સમીર પાલેજાએ એક સવાલના જવાબમાં પોતાને પર્યાવરણ વિશે લેખો લખવાની પ્રેરણા કેવી રીતે મળી એ જણાવ્યું હતું અને કહ્યું કે ‘ચિત્રલેખા’ મેગેઝિનમાં ગૌરક્ષા, પર્યાવરણ રક્ષણ જેવા વિષયો પરનાં લેખોને સરસ રીતે માવજત મળે છે, સ્થાન મળે છે. અમે વર્ષો પહેલાં પ્લાસ્ટિકથી પર્યાવરણને હાનિ વિશેની કવર સ્ટોરી કરી હતી કે અને આજે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પ્લાસ્ટિકની ઘણી ચીજવસ્તુઓનાં વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

‘ચિત્રલેખા’માં અન્ય કોલમનાં લેખકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં જેમ કે, ‘પલક’નાં હિતેન આનંદપરા, નવલકથા ‘ક્ષણ-પ્રતિક્ષણ’નાં લેખક શિશિર રામાવત અને ‘પ્રિયદર્શિની’ વિભાગની ‘નારીની નોંધપોથી’નાં લેખિકા તરુ કજારિયા. એમણે પણ વાચકોનાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યાં હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણીએ ‘ચિત્રલેખા’ની ૬૯ વર્ષની ગૌરવવંતી સફરની એક વિડિયો ઝલક રજૂ કરી હતી. જેમાં ‘ચિત્રલેખા’ મેગેઝિને આટલા વર્ષોમાં હાંસલ કરેલી ખાસ સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું.

હાલમાં જ આયુષ્યના 100 વર્ષ પૂરા કરનાર નગીનદાસ સંઘવીનું જાણીતા સાહિત્યકાર, ચિંતક, લેખક અને સંવિત્તિ સંસ્થાનાં પરામર્શ સમિતિના સભ્ય ડો. દિનકર જોશીએ શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. જ્યારે સંસ્થાનાં સમિતિના સભ્ય અમૃત બારોટે મૌલિક કોટકનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.

‘સંવિત્તી’ સંસ્થાના પ્રમુખ કીર્તિભાઈ શાહે ટીમ ચિત્રલેખા તથા શ્રોતાઓનું સ્વાગત કર્યું હતું અને ‘સંવિત્તી’નાં આગામી મે મહિનાનાં કાર્યક્રમોની જાહેરાત પણ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ કર્યું હતું. એમણે કહ્યું કે, ‘ચિત્રલેખા’ માત્ર મેગેઝિન નથી, પણ સમાજની વિચારધારાને બદલી શકે એવી એક તાકાત છે.

ચિતલિયાએ એમની આગવી સ્ટાઈલમાં ‘ચિત્રલેખા’ શા માટે અગ્રસર છે એની સમજ આપતાં કહ્યું કે આ મેગેઝિન ઈન્વેસ્ટમેન્ટ જગતની ભાષામાં કહીએ તો સુપર-ડાઈવર્સિફાઈડ છે, એટલે કે એમાં વાચકોને વૈવિધ્યસભર વાંચન, માહિતી, માર્ગદર્શન અને વિચારપ્રેરક વાતો જાણવા મળે છે.

દિલચસ્પ, માહિતીસભર રહેલા કાર્યક્રમમાં સાહિત્યકાર દિનકર જોશીએ આભારવિધિ વ્યક્ત કરી હતી એ સાથે જ કાર્યક્રમનું સમાપન થયું હતું. દિનકરભાઈએ કહ્યું હતું કે કહેવાય છે કે કાળ ક્યારેય થંભતો નથી, પણ આજે ટીમ ચિત્રલેખા સાથેના સંવાદ વખતે કાળ થંભી ગયો. રસપ્રદ વાતોને કારણે બે કલાક ક્યાં પસાર થઈ ગયા એની ખબર જ ન પડી. સંવાદ એટલે શું, એ શબ્દનો જીવતો જાગતો દાખલો આજનો કાર્યક્રમ છે, એમ પણ દિનકરભાઈએ કહ્યું.

(અહેવાલઃ મનોજ મોતીવાલા, તસવીરોઃ દીપક ધુરી અને પ્રકાશ સરમળકર)

'ચિત્રલેખા' ગ્રુપના ચેરમેન મૌલિક કોટકઃ પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં 'ચિત્રલેખા' અગ્રસર


મનન કોટકઃ ‘ચિત્રલેખા’ પ્રિન્ટ તેમજ ડિજિટલ, એમ બંને ક્ષેત્રે જુદી જુદી રીતે આગળ વધી રહ્યું છે.


'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણી


નગીનદાસ સંઘવીનું દિનકર જોશી દ્વારા બહુમાન


મૌલિક કોટકને આવકારતા વિનોદભાઈ કાંતિલાલ શાહ


મૌલિક કોટકઃ ‘ચિત્રલેખા'માં પ્રકાશિત થયેલી પહેલી નવલકથા હતી ‘ઘરની શોભા’


મનન કોટક


નગીનદાસ સંઘવી


હીરેન મહેતા


કેતન મિસ્ત્રી


દેવાંશુ દેસાઈ


મોના શેઠ


સમીર પાલેજા


શિશિર રામાવત, હિતેન આનંદપરા, તરુ કજારિયા


કાર્યક્રમના સંચાલક જયેશ ચિતલિયા


'સંવિત્તી'નાં સૂત્રધારઃ કીર્તિભાઈ શાહ
દિનકર જોશી