137 હોટેલ-રેસ્ટોરન્ટને અપાઈ ‘સુધાર નોટિસ’; 15ને ધંધો બંધ કરવા કહેવાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગે છેલ્લા બે મહિનામાં શહેરની 137 હોટેલ્સ કે રેસ્ટોરન્ટ્સને ‘સુધાર નોટિસ’ મોકલીને કહ્યું છે કે તેઓ એમની વાનગીઓની ગુણવત્તામાં સુધારો કરે. વિભાગે 15 રેસ્ટોરન્ટ્સને તો એમની ખાનપાન કામગીરીઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. વિભાગના અધિકારીઓ ઓચિંતા ઈન્સ્પેક્શન પર ગયા હતા ત્યારે આ 15 રેસ્ટોરન્ટ્સમાં નિયમ-કાયદાનું મોટા પાયે ઉલ્લંઘન થતું જોયું હતું. એમણે આ રેસ્ટોરન્ટ્સને એમની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા કહ્યું હતું અને વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એમને મોટી રકમનો દંડ પણ ફટકાર્યો હતો.

જે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સને સુધાર નોટિસ આપવામાં આવી છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે તેઓ એમના ફૂડ (વાનગી-આહાર)ની ગુણવત્તા બે જ અઠવાડિયામાં સુધારી દે નહીં તો એમને ધંધો બંધ કરી દેવાનું જણાવવામાં આવશે.

એફડીએના જોઈન્ટ કમિશનર શૈલેષ આઢવે કહ્યું કે, ઘણી રેસ્ટોરન્ટ કે ભોજનાલયો આહાર સુરક્ષાના નિયમોનું પાલન કરતી ન હોવાનું અમને જાણવા મળ્યા બાદ આખા મુંબઈમાં અમે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું. તેને પગલે અમે કેટલીક રેસ્ટોરન્ટ્સને એમની પ્રવૃત્તિઓ બંધ કરવા કહ્યું તો બીજી ઘણીને એમની ફૂડ ક્વાલિટી તાત્કાલિક સુધારવા કહ્યું છે. અમને જણાયું છે કે શહેરમાં મોટા ભાગની રેસ્ટોરન્ટ કે ભોજનાલયોમાં સ્વચ્છતાનો અભાવ હોય છે. એમના રસોડા ગંદા હોય છે, કચરાપેટીઓ ઉઘાડી હોય છે, ખોરાક વાસી હોય છે વગેરે. વળી, કર્મચારીઓ માથા પર કેપ્સ અને હાથમાં ગ્લોવ્સ પહેર્યા વગર કામ કરતા હોય છે. જે હોટેલ્સને બંધ કરી દેવાનો આદેશ અપાયો છે એમાં બીકેસી સ્થિત જિયો વર્લ્ડ ડ્રાઈવ ખાતેની કો કો બાઈ ઓબેરોય, માટુંગાની બનાના લીફ, કાંદિવલી વેસ્ટની ન્યૂયોર્ક બ્યુરિટો અને અંધેરી ઈસ્ટની હોટેલ હાઈવે ઈનનો સમાવેશ થાય છે.

એફડીએના ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટરો (FSO) શહેરમાં સરપ્રાઈઝ વિઝિટ કરવાનું ચાલુ જ રાખશે અને શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, ભોજનાલયો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ના નિયમોનું પાલન કરે છે કે એની ચકાસણી કરશે. શહેરમાં 18,481 રજિસ્ટર્ડ ભોજનાલયો છે, પણ એની સામે માત્ર 13 એફએસઓ જ છે.