મુંબઈ – અહીંના પરેલ ઉપનગરમાં હિંદમાતા થિયેટર નજીક આવેલી 17-માળની ક્રિસ્ટલ ટાવર નામની બહુમાળી ઈમારતમાં ગઈ કાલે સવારે લાગેલી ભયાનક આગમાં ચાર જણનાં મરણ નિપજ્યાં છે અને બીજાં 22 જણ ઘાયલ થયાં છે. આગનું કારણ લાપરવાહી છે. ટાવરમાં આગ સામે સુરક્ષાને લગતા પગલાં લેવામાં આવ્યા નહોતા.
પરંતુ, 11 વર્ષની છોકરી ઝેન ગુણરતન સદાવર્તેની સમયસૂચકતાને કારણે પંદરેક જણના જાન બચી ગયા. ઝેન અને એનો પરિવાર ક્રિસ્ટલ ટાવરમાં 16મા માળે રહે છે.
‘આગ લાગે ત્યારે બચવા માટે શું કરવું જોઈએ?’ એ વિશે એને એની સ્કૂલમાં એક પ્રોજેક્ટ વખતે શીખવવામાં આવેલા પાઠને તરત યાદ કરીને પોતાની જ સોસાયટીમાં લાગેલી આગ વખતે એને અમલમાં મૂકી દીધો હતો. એણે મકાનના 15-16 રહેવાસીઓને કહ્યું હતું કે ‘તમે સૌ ચહેરા અને નાક પર પાણીથી ભીંજાવેલું કપડું મૂકી દો જેથી આગને કારણે ફેલાયેલા ધૂમાડાથી શ્વાસ રૂંધાશે નહીં.’
સવારે લગભગ 8.30 વાગ્યાના સુમારે આગ ક્રિસ્ટલ ટાવરના 12મા માળ પર લાગી હતી. અને એનો ધૂમાડો ઉપરના માળ પર ચડવા માંડ્યો હતો, પરિણામે ત્યાંના રહેવાસીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. એવામાં 11 વર્ષની ઝેનની સલાહથી તેઓ બચી જવા પામ્યા હતા.
ઝેન ડોન બોસ્કો ઈન્ટરનેશનલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણે છે. લોકોને બચાવ્યાં બાદ ઝેન સતત એની સ્કૂલનાં ટીચરોનો આભાર વ્યક્ત કરતી હતી અને કહ્યું કે, મેં યાદ કર્યું કે મને ટીચરે કહ્યું હતું કે આવા સંજોગોમાં સૌથી પહેલાં તો મગજને શાંત રાખવું અને દરેક જણને શાંતિ રાખવાનું કહેવું. મેં પહેલાં મારાં માતા-પિતાને કહ્યું હતું અને એમને પાણીમાં ભીંજાવેલા કપડાથી ચહેરો અને નાક ઢાંકી દેવા કહ્યું હતું. બાદમાં મેં બીજાં લોકોને પણ કહ્યું હતું.
અગ્નિશામક દળના જવાનોએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને 35 જેટલા લોકોને ઉગારી લીધા હતા. બચાવ કામગીરી વખતે ચાર ફાયરમેનને ઈજા થી હતી.
પોલીસે ક્રિસ્ટલ ટાવરના ડેવલપર-બિલ્ડર અબ્દુલ રઝાક ઈસ્માઈલ સુપારીવાલાની ધરપકડ કરી છે.
ફાયર બ્રિગેડનો આક્ષેપ છે કે ક્રિસ્ટલ ટાવરમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ અમલમાં મૂકાઈ નહોતી. વળી, આ ઈમારતને ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નહોતું તે છતાં ત્યાં 40 જેટલા પરિવારો રહેતા હતા.
લોકોને 90-મીટર ઊંચી સીડીની મદદથી ઉગારવામાં આવ્યા હતા.
ધૂમાડાને કારણે ગૂંગળામણથી મૃત્યુ પામેલા ચાર જણ છે – હસન શાહજહાં શેખ ઉર્ફે બબલૂ (36), શુભદા શેળકે (62), અશોક સંપત (45) અને સજીવ નાયર (53). સંપત એના માતાપિતાને મળવા ગયા હતા જેઓ 16મા માળ પર રહે છે.