મુંબઈ – મુંબઈની એક સેશન્સ કોર્ટે રિશી કપૂર અને તાપસી પન્નૂને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘મુલ્કની રિલીઝ પર વચગાળાનો સ્ટે ઓર્ડર મંજૂર કર્યો છે. આ ફિલ્મ આવતી 3 ઓગસ્ટે રિલીઝ થવાનું નિર્ધારિત છે.
કોર્ટે વંદના પુનવાની નામનાં એક અરજદારે કરેલા કેસમાં સુનાવણી કરી હતી. પુનવાની ફિલ્મ પ્રોડક્શન અને એન્ટરટેનમેન્ટ એજન્સી બનારસ મીડિયા વર્ક્સ લિમિટેડ સાથે પ્રોપર્ટીના ભાડાંને લગતા એક વિવાદમાં ફસાયેલાં છે.
પુનવાનીનો દાવો છે કે બનારસ મીડિયા વર્ક્સ લિમિટેડને મુલ્ક ફિલ્મ સાથે સંબંધ છે તેથી જ્યાં સુધી પ્રોપર્ટીનાં ભાડાંનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી કોર્ટે ફિલ્મની રિલીઝને અટકાવી રાખવી જોઈએ.
અરજદારનાં જણાવ્યા મુજબ, ઉક્ત એજન્સીએ 2011માં મુંબઈમાં પુનવાનીનો એક બંગલો ભાડેથી લીધો હતો. કંપની એ બંગલાને એક ઓફિસમાં કન્વર્ટ કરવા માગતી હતી.
પરંતુ મહાનગરપાલિકા તરફથી એને રહેણાંક પ્રોપર્ટીને કમર્શિયલ પ્રોપર્ટીમાં કન્વર્ટ કરવાની પરવાનગી મળી નહોતી. એને પગલે કંપનીએ પુનવાનીને ભાડું આપવાનો ઈનકાર કર્યો હતો.
એને પગલે, પુનવાનીએ 2016માં દિંડોશી (ગોરેગામ-પૂર્વ) સેશન્સ કોર્ટમાં કેસ કર્યો હતો અને પોતાનું લેવાનું બાકી નીકળતું રૂ. 50 લાખનું ભાડું મેળવી આપવાની અરજ કરી હતી.
ત્યારબાદ પુનવાનીએ આ મહિનાનાં આરંભમાં એમ કહીને મુલ્ક ફિલ્મની રિલીઝને રોકવાની માગણી કરી હતી કે જ્યાં સુધી ભાડાંનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ફિલ્મને રિલીઝ થવા દેવી નહીં.
એડિશનલ સેશન્સ જજ એમ.એચ. શેખે આ કેસમાં ફિલ્મની રિલીઝ પર વચગાળાનો સ્ટે ઓર્ડર આપ્યો છે અને કેસમાં સુનાવણી માટે બીજી ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિન્હાના લોયર વિભાવ કૃષ્ણાએ કહ્યું કે પુનવાનીએ એમની અરજીમાં ખોટા દાવા કર્યા છે કે બનારસ મીડિયા વર્ક્સ કંપનીને સિન્હા સાથે સંબંધ છે. અમે કાં તો આ સેશન્સ કોર્ટ પાસેથી સ્પષ્ટતા માગીશું અથવા મુંબઈ હાઈકોર્ટમાં જઈશું.
‘મુલ્ક’ ફિલ્મમાં એક ત્રાસવાદી ષડયંત્રમાં મુસ્લિમ પરિવાર કેવો નાહકનો સપડાઈ જાય છે એની વાર્તા છે.