મુંબઈઃ વિમાનમાં બેસતા પહેલાં એરપોર્ટ પર કોરોના ટેસ્ટ

મુંબઈઃ કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા અને નાગરિકોના આરોગ્યની સલામતી જળવાય એ માટે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા અનેક પગલાં લઈ રહી છે.

મુંબઈમાંથી બહારગામ જતા પ્રવાસીઓ હવે વિમાનમાં ચડે એ પહેલાં જ એમની કોરોના ટેસ્ટ લેવામાં આવે છે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં આ એરપોર્ટ પર 2,930 પુરુષ અને 400 મહિલા પ્રવાસીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે.

એરપોર્ટ પર દરરોજ આશરે 100 જેટલી કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આજ સુધી 38 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું છે.

આ સુવિધા આ પહેલાં મુંબઈ એરપોર્ટ પર આગમન કરતા પ્રવાસીઓ માટે હતી, પરંતુ હવે પ્રવાસીઓને મૂકવા આવતા એમનાં સગાસંબંધીઓ કે મિત્રોને માટે પણ કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવનાર છે.

ગઈ 25 માર્ચથી બંધ કરાયેલા આંતરરાષ્ટ્રીય વિમાનીમથકને નવી શક્તિ પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકારે આ સુવિધાઓ શરૂ કરી છે.

એરપોર્ટ પર કયા સ્થળે કોરોના ટેસ્ટ કરાય છે?

એરપોર્ટના ટર્મિનલ-2ના ચોથા માળ પર કોરોના ટેસ્ટની સુવિધા શરૂ કરાઈ છે.

મુંબઈથી બહાર જતા પ્રવાસીઓ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની વેબસાઈટ Mumbai Airport પર વિઝિટ કરીને તેમજ હેલ્પસેન્ટર પર જઈને પોતાનું નામ નોંધાવી શકે છે. નામ રજિસ્ટર કરાયા બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

પ્રવાસીને 8 કલાકમાં કોરોના ટેસ્ટનો અહેવાલ સુપરત કરવામાં આવશે.

પ્રવાસીઓએ એ માટે નિયોજિત સમયના 8-12 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચી જવું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]