મુંબઈ – જાતીય શક્તિ વધારતી દવાઓ વેચતા અહીંના અંધેરી ઉપનગરસ્થિત એક કોલ સેન્ટરનો મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ કોલ સેન્ટરમાંથી અમેરિકન નાગરિકોને સેક્સ વધારવાનો દાવો કરતી દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હતું.
આ કોલ સેન્ટર અંધેરી (પૂર્વ)ના મરોલ વિસ્તારમાં આવેલું હતું. એનું નામ હતું એએમએમ કોલ કનેક્ટ.
આ કોલ સેન્ટરના માલિક મુદસ્સર હારુન (34) અને એના સાગરિત એશ્લી ગ્લેન ડિસોઝા (38)ની ધરપકડ કરવામાં આવી છે.
ઉક્ત કોલ સેન્ટરમાં 22થી વધારે લોકો કામ કરતા હતા. પોલીસે એ તમામને અટકમાં લીધાં છે.
પોલીસોએ ઘટનાસ્થળે દરોડો પાડીને ત્યાંના કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન તથા અમેરિકન ગ્રાહકોનાં નામ-નંબર ધરાવતું ડેટા કાર્ડ જપ્ત કર્યું છે.
ડેટા કાર્ડમાં અમેરિકન કોન્ટેક્ટ્સનાં નંબરો હતા. એ લોકોને આ દવાઓ વેચવામાં આવતી હતી.
પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની કલમ હેઠળ આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-10ના પોલીસ અધિકારી સુનીલ માનેનાં નેતૃત્ત્વ હેઠળ કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો.
કોલ સેન્ટરવાળાઓ જાતીય શક્તિ વધારતી દવાઓનું વેચાણ કરતા હતા, એવું કર્મચારીઓએ પૂછપરછમાં કબૂલ કર્યું હતું.
પોલીસે કર્મચારીઓનાં નામ નોંધી લઈને જવા દીધા હતા, પણ કેસની કોર્ટ કાર્યવાહી વખતે એમને સાક્ષી બનાવવામાં આવશે.
કોલ સેન્ટરમાં કર્મચારીઓને અમેરિકન ગ્રાહકો સાથે એકદમ અમેરિકન શૈલીમાં વાત કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી.
મુખ્ય આરોપીઓ મુદસ્સર અને એશ્લીને કોઈ અન્ય સેક્સ કૌભાંડ સાથે સંબંધ તો નથી ને એની પોલીસ તપાસ કરી રહી છે.
આરોપીઓને ડોલરમાં પૈસા મળતા હતા.