મુંબઈ – દક્ષિણ મુંબઈમાં ગઈ કાલે સાંજે લગભગ 7.30 વાગ્યે ધસારાના સમયે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની બહારનો ફૂટ-ઓવરબ્રિજ તૂટી પડતાં માર્યા ગયેલાઓની સંખ્યા વધીને 6 થઈ છે. દુર્ઘટનામાં બીજાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
પોલીસે આ બનાવ અંગે એફઆઈઆર નોંધી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે આ બનાવમાં જે કોઈ જવાબદાર ઠરશે એમની પર સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવશે.
ફડણવીસે કહ્યું કે ઓડિટર્સે આ પૂલને વપરાશ માટે ફિટ ઘોષિત કર્યો હતો તે છતાં એ કેમ તૂટી પડ્યો એ વિશે મેં ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.
આ ફૂટ-ઓવરબ્રિજ પરથી દરરોજ હજારો લોકો આવ-જા કરતાં હોય છે.
મૃત્યુ પામેલા છ જણનાં નામ છેઃ અપૂર્વા પ્રભુ (35) અને અંજના તાંબે (40) (આ બંને ઘટનાસ્થળની નજીકમાં જ આવેલી જી.ટી. હોસ્પિટલની નર્સ હતી), ભક્તિ શિંદે (40), ઝાહિદ સિરાજ ખાન (32), તાપેન્દ્ર સિંહ (28), મોહન કાયગુડે (40).
અપૂર્વા પ્રભુ, રંજના તાંબે અને ભક્તિ શિંદે ત્રણેય ડોંબિવલીની રહેવાસીઓ હતી. અપૂર્વા અને રંજના એમની રાતની ડ્યૂટીએ હાજર થવા માટે હોસ્પિટલે પહોંચવા માટે બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે એ તૂટી પડ્યો હતો.
અપૂર્વા પ્રભુ અને રંજના તાંબેને જી.ટી. હોસ્પિટલમાં ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામેલી ઘોષિત કરવામાં આવી હતી. જ્યારે ભક્તિ શિંદેએ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ત્રણેય નર્સ જી.ટી. હોસ્પિટલે પહોંચવા માટે ડોંબિવલીથી દરરોજ સાથે એક જ ટ્રેન પકડતી હતી.
ઈજાગ્રસ્તોને નજીકની સરકાર હસ્તકની જી.ટી. હોસ્પિટલ અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. એક વ્યક્તિ – દીપક પારેખને બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન ફડણવીસે મૃત્યુ પામેલી દરેક વ્યક્તિઓનાં પરિવારજનો માટે રૂ. પાંચ-પાંચ લાખની એક્સ-ગ્રેશિયા રકમ જાહેર કરી છે. જ્યારે દરેક ઈજાગ્રસ્ત માટે રૂ. 50 હજારના વળતરની જાહેરાત કરી છે. તમામ ઈજાગ્રસ્તોનો સારવાનો ખર્ચ સરકારી હોસ્પિટલ ભોગવશે.
(પૂલ દુર્ઘટનાસ્થળની આજે, શુક્રવારે સવારની તસવીરો)