બોમ્બની ખોટી ધમકીભર્યો કોલ: ફોનમાલિકની પૂછપરછ કરાઈ

મુંબઈઃ અહીં મધ્ય રેલવે વિભાગ પરના ભાયખલા રેલવે સ્ટેશન ખાતે ગયા મંગળવારે મધરાત બાદ બોમ્બના એક નનામા ફોન કોલને કારણે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કલાકો સુધીની શોધખોળ બાદ કોઈ વિસ્ફોટક ચીજ મળી નહોતી. જોકે ત્યારબાદ ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ ફોન કરનારને શોધી કાઢ્યો હતો. એને અટકમાં લઈ પૂછતાછ કરવામાં આવી રહી છે.

બનાવની વિગત મુજબ, મુંબઈ પોલીસ કન્ટ્રો રૂમને ગયા મંગળવારે મધરાત બાદ 1.55 વાગ્યે એક ફોન કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે ભાયખલા સ્ટેશનના ચારેય પ્લેટફોર્મ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે અને તે વહેલી સવારે 3.50 વાગ્યે ફાટશે. પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી તરત જ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્થિત જીઆરપીને જાણ કરી હતી. એ સાથે જ સમગ્ર પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું. બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની બે ટૂકડીના જવાનો એક-એક સ્નિફર ડોગની સાથે ભાયખલા સ્ટેશને પહોંચી ગયા હતા. આખી રાત વ્યાપક શોધ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ કંઈ જ શંકાસ્પદ ચીજ હાથ લાગી નહોતી. ત્યારબાદ સ્ટેશનને સુરક્ષિત ઘોષિત કરવામાં આવ્યું હતું. એ પછી અજાણી વ્યક્તિઓ સામે ખોટી માહિતી આપવા અને અફવા ફેલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

જીઆરપીની લોકલ ક્રાઈમ બ્રાન્ચે જ્યાંથી ફોન કોલ કરવામાં આવ્યો હતો તે મોબાઈલ નંબરની વિગત મેળવી હતી અને શકમંદને શોધી કાઢ્યો હતો. એનું નામ રઝાક ખાન છે, એ 45 વર્ષનો છે. બુધવારે સવારે એને ભાંડુપના સોનાપુર વિસ્તારમાં એના ઘરમાંથી પકડવામાં આવ્યો હતો. જીઆરપી-એલસીબીના સિનિયર ઈન્સ્પેક્ટર અર્શુદ્દીન શેખે કહ્યું કે રઝાક ખાને જીઆરપીને કહ્યું હતું કે એનો ફોન ચોરાઈ ગયો હતો અને એણે પોતે કોઈ ધમકીભર્યો ફોન નથી કર્યો. પોલીસ એના દાવાની સચ્ચાઈ ચકાસી રહી છે. હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.