મુંબઈ – મહાનગરપાલિકા સંચાલિત BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) કંપનીના બસ ડ્રાઈવરો અને કંડક્ટરો સહિત હજારો કર્મચારીઓ પગારવધારા સહિતની અનેક માગણીઓના ટેકામાં બેમુદત હડતાળ પર ઉતરી ગયા છે. રવિવારે હડતાળનો છઠ્ઠો દિવસ હતો. મહાનગરપાલિકા તથા BEST વહીવટીતંત્રમાં જેનું શાસન છે તે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે આ હડતાળનો નિકાલ ચર્ચા કરીને લાવવાની જરૂર છે.
ઠાકરેએ કર્મચારીઓના યુનિયન લીડરોને ઉદ્દેશીને કહ્યું કે, એકબીજા પર (બેસ્ટ પ્રશાસનના અધિકારીઓ તથા કર્મચારીઓ) આરોપ-પ્રતિઆરોપ કરવાથી કંઈ નહીં વળે. એને બદલે સાથે મળીને ચર્ચા કરવાથી કોઈક માર્ગ નીકળશે.
મુંબઈમાં છેલ્લા 22 વર્ષમાં બેસ્ટની આ હડતાળ સૌથી લાંબી બની છે. મુંબઈ હાઈકોર્ટે પણ આ મામલામાં પડવાનો ઈનકાર કરી દીધો છે.
ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે બેસ્ટ કંપનીની તિજોરી ખલાસ થઈ ગયેલી છે એમાં આ હડતાળથી વધારે નુકસાન થઈ રહ્યું છે. આડેધડ માગણીઓ કરવાથી નવી અને વધુ સમસ્યાઓ ઊભી થશે. બેસ્ટના કર્મચારીઓ તથા મુંબઈગરાંઓનાં હિતમાં નિર્ણય લેવા હું બંધાયેલો છું, પરંતુ જેમને કોઈ લેવાદેવા નથી એવા લોકો આ મામલામાં પડે નહીં.
ઠાકરેએ કહ્યું કે બેસ્ટ કંપનીને આર્થિક ખોટમાંથી બહાર લાવવાના પ્રયાસો ચાલુ છે. બેસ્ટની હડતાળમાં રાજકારણ લાવવાની મારી ઈચ્છા નથી. હડતાળનો નિર્ણય હજી કોર્ટમાં છે. તે છતાં મારી જરૂર હોય તો હું ચર્ચા કરવા તૈયાર છું. બેસ્ટનું વિલિનીકરણ કરવાની મેં જે ખાતરી આપી હતી તે પૂર્ણ કરીશ.
ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું કે, બેસ્ટ કંપનીની નાણાંભીડની સમસ્યા દૂર કરવા માટે બેસ્ટ બસ સેવાનું ખાનગીકરણ કરવું એ પર્યાય નથી. ખાનગીકરણ કરવાનો વિચાર કરીશું તોય બેસ્ટનો માલિકી હક અમે જતો કરીશું નહીં. બેસ્ટનું સંપૂર્ણ ખાનગીકરણ તો કરવા જ નહીં દઈએ. માત્ર અમુક બસોનું જ ખાનગીકરણ કરીશું. તેમાં પણ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું છે કે હડતાળમાં જોડાયેલા એકેય કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે. પરંતુ આ હડતાળને કારણે બેસ્ટની તિજોરીને વધારે ફટકો પડ્યો છે. બેફામ માગણીઓ કરવાથી સમસ્યા વકરશે.