મુંબઈ – મહાનગરમાં ઓટોરિક્ષા, ટેક્સીના ભાડામાં વધારો થવાની શક્યતા છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નો ભાવ વધી ગયો હોવાથી રિક્ષા-ટેક્સી ચાલકોના યુનિયનોએ પ્રવાસી ભાડામાં 3-3 રૂપિયાનો વધારો માગ્યો છે. એમને રિક્ષામાં મિનિમમ ભાડું (બેઝ ફેર) રૂ. 21 અને ટેક્સીમાં મિનિમમ રૂ. 25નું ભાડું જોઈએ છે.
મુંબઈમાં હાલ રિક્ષાનું લઘુત્તમ ભાડું રૂ. 18 છે જ્યારે ટેક્સીનું રૂ. 22 છે.
સાથોસાથ, રિક્ષાવાળાઓને બેઝ ફેર બાદ પ્રત્યેક એક કિલોમીટરના પ્રવાસ દીઠ મીટરચાર્જમાં પણ બે રૂપિયાનો વધારો જોઈએ છે. એવી જ રીતે, ટેક્સીવાળાઓને પ્રત્યેક એક કિલોમીટર દીઠ દોઢ રૂપિયાનો વધારો જોઈએ છે.
મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં કિલોગ્રામ દીઠ રૂ. 2.66નો વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે ગેસનો ખર્ચ વધી જતા, યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડતાં અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જતાં એને સીએનજીનો ભાવ વધારવો પડ્યો છે.
એમજીએલના પ્રવક્તાની દલીલ છે કે સીએનજીના ભાવમાં વધારો થવા છતાં રિક્ષા-ટેક્સી ચલાવવાના ખર્ચમાં નજીવો – પ્રતિ કિલોમીટર માંડ 10 પૈસા અને 13 પૈસાનો જ વધારો થશે.
ટેક્સીચાલકોના યુનિયનનો દાવો છે કે મુંબઈમાં હાલ અનેક ભાગોમાં મેટ્રો રેલવેનું કામ ચાલતું હોવાથી ટેક્સીઓની ટાંકીઓમાં ગેસ ભરાવી શકાતો નથી. વળી વાહનો માટે વીમાનો ખર્ચ પણ વધી ગયો છે.
મુંબઈ ઓટોરિક્ષામેન યુનિયનના પ્રમુખ શશાંક રાવે કહ્યું છે કે રિક્ષાનું ભાડું વધારવા દેવાની વિનંતી કરતો પત્ર અમે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલી આપ્યો છે.
મુંબઈમાં આશરે 1 લાખ 80 હજાર રિક્ષાઓ દોડે છે અને 35,000 ટેક્સીઓ ફરે છે.