તનુશ્રીનો આરોપઃ મનસે બાદ શિવસેનાએ પણ નાના પાટેકરનો બચાવ કર્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ હિન્દી તથા મરાઠી ફિલ્મો તથા મરાઠી રંગભૂમિના વરિષ્ઠ અભિનેતા નાના પાટેકર પર કરેલા જાતીય સતામણી, ગેરવર્તણૂકના આરોપ બાદ આ પ્રકરણ ખૂબ ચગ્યું છે.

આ પ્રકરણની ચર્ચાનો રંગ બોલીવૂડ અને મનોરંજન ક્ષેત્ર ઉપરાંત રાજકારણને પણ લાગ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી તનુશ્રીના આરોપનો વિરોધ કરીને પાટેકરને ટેકો જાહેર કરી ચૂકી છે.
ત્યારબાદ હવે શિવસેના પાર્ટી પણ પાટેકરના બચાવમાં બહાર આવી હોવાનું કહેવાય છે.

ટાઈમ્સ નાઉ ચેનલના અહેવાલ અનુસાર, શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે એમ કહ્યું છે કે તનુશ્રીએ નાના પાટેકર ઉપર કરેલા આરોપ બાદ ઘણાએ તનુશ્રીને ટેકો આપ્યો છે. પરંતુ નાના પાટેકર પાસેથી રજૂઆત સાંભળવાનું પણ એટલું જ મહત્ત્વનું છે. નાના માત્ર અભિનેતા છે એટલું જ નહીં, પણ દેશના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પણ જાણીતા છે.

રાઉતે વધુમાં કહ્યું કે, નાના પાટેકર એક સદ્દગૃહસ્થ વ્યક્તિ છે એ અમે જાણીએ છીએ. આ પ્રકરણ વિશે નાનાએ હજી સુધી કંઈ જાહેરમાં ઉચ્ચારણ કર્યું નથી. માત્ર એમણે તનુશ્રીને કાયદેસર નોટિસ પાઠવી છે. આના પરથી જ નાના દોષી છે કે નહીં એ સમજાઈ જાય છે. જો એ દોષી હોત તો એમણે તનુશ્રીને નોટિસ આપી ન હોત.

ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ થોડાક દિવસો પહેલાં એક પત્રકાર પરિષદમાં એવો આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે પર એવો આરોપ મૂક્યો હતો કે રાજ ઠાકરેને બાળાસાહેબ ઠાકરેની ખુરશી જોઈતી હતી, પણ એ મળી નહીં એટલે તે ગુંડાગીરી કરે છે.

તનુશ્રીનાં આ આરોપને પગલે મનસે વિદ્યાર્થી સેનાનાં કાર્યકર્તાઓએ લોનાવલા ખાતે બિગ બોસના સેટ પર જઈને તોડફોડ કરી હતી.

તનુશ્રીનો આરોપ છે કે 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર નાના પાટેકરે એની સાથે અભદ્ર રીતે છેડછાડ કરી હતી. પોતે નિર્માતા, દિગ્દર્શક, ડાન્સ ડાયરેક્ટરને એ વિશે ફરિયાદ કરી હતી, પણ કોઈએ એનું સાંભળ્યું નહોતું. એટલે તે એક્ટિંગ દ્રશ્યોનું શૂટિંગ કરવાને બદલે ત્યાંથી જતી રહી હતી. સ્ટુડિયોની બહાર એની કાર પર મનસેના ગુંડાઓએ હુમલો કર્યો હતો. એ વખતે એની સાથે તનુશ્રીનાં માતા-પિતા પણ હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]