મુંબઈમાં મનમાની કરતા 700 ઓટોરિક્ષા ડ્રાઈવરોનાં લાઈસન્સ રદ

મુંબઈ –  આ મહાનગરમાં રિક્ષાચાલકોની મનમાની, દાદાગીરી, અવળચંડાઈ હવે નહીં ચાલે! નજીકના સ્થળે ભાડુ લઈ જવાની ના પાડનાર રીક્ષાચાલકોનો પરવાનો હવે રદ્દ થશે.

દિલ્હી તેમજ મુંબઈ જેવા મોટાં શહેરોમાં દૈનિક અવરજવર માટે જાહેર પરિવહન સેવાઓમાં બસ તેમજ લોકલ ટ્રેન ઉપરાંત રિક્ષા મધ્યમવર્ગનાં લોકો માટે એક સારો વિકલ્પ છે. પરંતુ આ જ વાતનો ફાયદો ઉઠાવીને ઘણાં રિક્ષાચાલકો મનમાની કરતાં રહે છે. જેમાં મોટે ભાગે નજીકના સ્થળે ભાડું લઈ જવા માટે ના પાડવી જેવી વાતનો એક કે બીજી વ્યક્તિને સતત અનુભવ થતો રહે છે.

મુંબઈગરાંની આ સમસ્યાના નિરાકરણ માટે મુંબઈ ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (RTO)ના અધિકારીઓએ સામાન્ય ગ્રાહક બનીને આ પરિસ્થિતિની તપાસ કરી જોઈ છે અને આવા ઉદ્ધત રિક્ષાચાલકોના પરવાના રદ્દ કરવાનું શરૂ કરી દીધું છે.

 

આરટીઓના અધિકારીઓએ ગઈ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના સમયગાળામાં આ ઝુંબેશ દરમ્યાન 5,212 જેટલાં રિક્ષાચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા જણાયા હતા. જેમાં 2,600 ચાલકોના પરવાના જપ્ત કરવામાં આવ્યા છે અને 700 જણના પરવાના નજીકનું ભાડુ નકારવા બદલ રદ્દ કરવામાં આવ્યાં છે.

બૅચ કે પરવાના વગર રિક્ષા ચલાવનાર, ભાડું વધારે પડતું વસૂલ કરનાર તેમજ નિયમ વિરૂદ્ધ ત્રણથી વધુ પેસેન્જરોને રિક્ષામાં બેસાડનાર ચાલકોના પરવાના જપ્ત કરવામાં આવ્યા છે તેમજ 171 રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે.

‘રિક્ષાચાલકોની મનમાનીને કારણે પ્રવાસીઓને કેટલો ત્રાસ સહન કરવો પડે છે. તેની અમને જાણ છે.’ એવું ટ્રાન્સપોર્ટ કમિશનર શેખર ચેન્નીએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘આ ઝુંબેશ હજુ થોડા મહિના સુધી ચાલુ રહેશે.’

‘ટ્રાન્સપોર્ટ કમિશનરના આદેશથી આ ઝુંબેશ માટે 14 વિજિલન્સ સ્ક્વૉડ તૈયાર કરવામાં આવી છે. જે આવા ઉદ્ધત રિક્ષાચાલકો ઉપર નજર રાખશે.’ એવું ઝુંબેશનું નેતૃત્વ કરનાર ARTO તાનાજી ચવ્હાણે કહ્યું છે. નજીકનું ભાડું નકારનાર 700 રિક્ષાચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે એ વાતને પણ ચવ્હાણે સમર્થન આપ્યું.

વધુમાં એમણે કહ્યું કે, ‘પરવાનો રદ્દ થનાર રિક્ષાચાલક કોર્ટમાં જાય તો એની મનમાની તેમજ ઉદ્ધતાઈનો પુરાવો રજૂ કરવા માટે RTO અધિકારીઓએ આ સંપૂર્ણ ઝુંબેશનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું છે.’