મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરીટી ફોર્સ (સીઆઈએસએફ)ના વધુ 6 જવાનનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાના સમાચાર છે.
જિલ્લા માહિતી કાર્યાલયે આ માહિતી આપી છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીના વધુ છ જવાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
ખારઘરમાં 139 અધિકારી અને સેવા માટે ખાસ નિયુક્ત કરાયેલા 12 જવાનોમાંના પાંચ જણને કોરોના થયાનું અગાઉ જાણવા મળ્યું હતું. હવે વધુ 6 જવાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
146 અધિકારી અને કર્મચારીઓને 2 એપ્રિલની રાતે કળંબોલી ઉપનગરમાં આવેલી મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ત્યાં એ તમામની કોવિડ-19 બીમારી માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાંના છ જણને કોરોના થયાનું માલૂમ પડ્યું હતું.
આ જવાનોને તાત્કાલિક આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા છે. અન્ય અધિકારીઓ તથા જવાનો-કર્મચારીઓના સ્વાસ્થ્ય ઉપર પણ ચાંપતી દેખરેખ રાખવામાં આવી રહી છે.