મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું

મુંબઈ – રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે કેન્દ્રીય પ્રધાનમંડળે કરેલી ભલામણને પોતાની મંજૂરીની મ્હોર મારી દીધી છે. રાષ્ટ્રપતિ શાસન આજથી છ મહિના માટે લાગુ રહેશે.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીએ ભલામણ કર્યા બાદ કેન્દ્રીય કેબિનેટે એ ભલામણને મંજૂર કરી હતી. એ ફાઈલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી અને ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મોકલી દીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની રાજ્યપાલની ભલામણને મંજૂર રાખી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારથી પંજાબ ગયા હતા, ત્યાંથી પરત ફર્યા બાદ એમણે પહેલું કામ રાષ્ટ્રપતિ શાસન માટેની ભલામણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી દીધા હતા.

મહારાષ્ટ્રમાં એક પખવાડિયા કરતાંય વધારે સમયથી ચાલેલી રાજકીય મડાગાંઠ બાદ રાજ્યને રાષ્ટ્રપતિ શાસન હેઠળ મૂકી દેવામાં આવ્યું છે.

રાજ્યપાલ કોશિયારીએ એમની ભલામણમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર રચાવાની કોઈ શક્યતા એમને જણાતી નથી. એટલે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઈએ.

મુંબઈમાં રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાન રાજભવન તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, દેશના બંધારણ અંતર્ગત મહારાષ્ટ્રમાં સરકાર રચાવાની કોઈ શક્યતા ન જણાતાં રાજ્યપાલે બંધારણની કલમ 356 હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે.

288-સભ્યોની 14મી વિધાનસભા માટે ગયા મહિને યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપે સૌથી વધારે, 105 સીટ જીતી હતી. તેના ભાગીદાર શિવસેનાએ 56, રાષ્ટ્રવાદી કોંગ્રેસે 54, કોંગ્રેસે 44 તથા અપક્ષો અને અન્ય પક્ષોના ઉમેદવારોએ 28 સીટ જીતી હતી.

સરકાર રચવા માટે 144 સભ્યોની જરૂર હોય, પરંતુ કોઈ પણ એક પક્ષ કે પક્ષોનાં જોડાણ પાસે એટલું સંખ્યાબળ નહોતું. 13મી વિધાનસભાની મુદત 9 નવેંબરે પૂરી થઈ ગઈ હતી.

રાજ્યમાં સત્તાની વહેંચણી નક્કી કરાયેલી 50-50ની ફોર્મ્યુલા મુજબ કરવાની શિવસેનાની માગણીને ભાજપે નકારી કાઢ્યા બાદ ભાજપે સ્વબળે સરકાર રચવાની પોતાની અસમર્થતા 17મા દિવસે બતાવી હતી. ત્યારબાદ રાજ્યપાલે બીજા નંબરની પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું, એ માટે તેને 24 કલાકનો સમય આપ્યો હતો, પણ એ તેને ઓછો લાગ્યો હતો, એણે મુદત વધારવાની માગણી કરી હતી, પણ રાજ્યપાલે તે નકારી કાઢી હતી. રાજ્યપાલે ત્યારબાદ ત્રીજા નંબરના પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.

એણે કહ્યું કે પોતે એકલી સરકાર રચી શકે એમ નથી. એને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના સાથની પણ જરૂર રહેશે. એ માટે તેણે 3 દિવસની મુદત માગી હતી, જે પણ રાજ્યપાલે નકારી કાઢી હતી.

મહારાષ્ટ્રમાં આ ત્રીજી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે

પહેલી વાર 1980ની 17 ફેબ્રુઆરીથી 8 જૂન, 1980 સુધી (112 દિવસ માટે) અને બીજી વાર 28 સપ્ટેંબર, 2014થી 31 ઓક્ટોબર, 2014 સુધી (33 દિવસ માટે) રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.