મહારાષ્ટ્રના-પૂરગ્રસ્તો માટે શિવસેના-ભાજપના નેતાઓનું મહિનાના પગારનું દાન

મુંબઈઃ મહારાષ્ટ્રના સમુદ્રકાંઠાના કોંકણ તથા પશ્ચિમી ભાગોના અનેક જિલ્લાઓમાં ગયા અઠવાડિયે ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભેખડો ધસી પડવાની બનેલી અનેક ઘટનાઓમાં 200થી વધારે લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયાં છે.

આ કુદરતી આફતમાં એમની સંભાળ લેવા માટે મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડી સરકારની ભાગીદાર પાર્ટી શિવસેનાએ જાહેર કર્યું છે કે તેના તમામ પ્રધાનો, વિધાનસભ્યો એમનો એક મહિનાનો પગાર પીડિતો માટે પુનર્વસન કાર્યો હાથ ધરવા માટે દાનમાં આપશે. આવી જ રીતે, વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રમાંના વિધાનસભ્યો એમનો એક મહિનાનો પગાર મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં આપશે જેનો ઉપયોગ રાજ્યના પૂરગ્રસ્ત લોકોનાં પુનર્વસન માટે કરાશે. આ જાણકારી પક્ષના વિધાનસભ્ય આશિષ  શેલારે આપી છે.