હાપાથી નવી મુંબઈ પહોંચી ઓક્સિજન એક્સપ્રેસ

મુંબઈઃ ભારતીય રેલવેએ કોરોના સંકટમાં ઓક્સિજન વાયુના પરિવહનને ઝડપી અને સરળ બનાવવામાં મદદરૂપ થવા માટે શરૂ કરેલી ઓક્સિજન એક્સપ્રેસના ભાગરૂપે 3 ઓક્સિજન ટેન્કર સાથેની રો-રો સેવા ટ્રેન ગુજરાતના હાપાથી આજે સવારે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)ના હિસ્સા નવી મુંબઈના કલંબોલી ખાતે પહોંચી હતી. આમાંની બે ટેન્કરને રોડ મારફત નાગપુર અને એક ટેન્કરને અમરાવતી જિલ્લામાં મોકલવામાં આવી છે. દરેક ટેન્કરમાં 15 મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજન હોય છે.

આ ઓક્સિજન એક્સપ્રેસ આજે સવારે 11.25 વાગ્યે નવી મુંબઈના કલંબોલી ખાતે આવી પહોંચી હતી. આ ટેન્કરો મારફત મહારાષ્ટ્રને આજે 44 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન પ્રાપ્ત થયો છે. આ ટ્રેન ગઈ કાલે સાંજે હાપાથી રવાના થઈ હતી અને આજે સવારે નવી મુંબઈના રાયગડ જિલ્લા નજીકના કલંબોલી ખાતે પહોંચી હતી. આ ટ્રેને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક રૂટ (ગ્રીન કોરિડોર) મારફત આશરે 860 કિ.મી.નું અંતર કાપ્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્ર રાજ્યમાં હજારો રાહત થશે, જેઓ કોરોનાવાઈરસ મહાબીમારીથી ત્રસ્ત છે.