મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો “પર્વતથી પરમ સુધી” કાર્યક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેલ્લા કેટલાક મહિનાઓથી અનોખા કોન્સેપ્ટ, આગવી પરિકલ્પના ધરાવતા કાર્યક્રમ દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રસારનું કાર્ય કરી રહી છે . એમાં કલગી સમાન એક કાર્યક્રમ એટલે “પર્વતથી પરમ સુધી”.

દસ ડિસેમ્બર રવિવારે સાહિત્યના કેટલાક ભાવકો અને પ્રકૃતિમાં પરિભ્રમણ જેમનો પ્રથમ પ્રેમ છે એવા બે કવિ હિમાંશુ પ્રેમ અને સંજય પંડ્યા કસારા થઈને બારી ગામ પહોંચ્યા. વરસાદમાં લીલી ચાદર ઓઢીને બેસતું બારી ગામ ડિસેમ્બરમાં પણ ખાસ્સું એવું લીલુંછમ લાગે છે. બારી ગામ ૨૪૦૦ ફૂટની ઊંચાઈએ છે અને ગામને વીંધીને સતત ઉપર જતી કેડી ટોચ પર પહોંચે ત્યારે એ ઊંચાઈ છે ૫૪૦૦ ફૂટ.

હિમાંશુ પ્રેમ અને સંજય પંડ્યા બંને આ શિખર પર સાડાત્રણ દાયકા અગાઉ ચડી આવ્યા છે, પણ આ વખતની સાહિત્ય ગોષ્ઠિ મધ્યના પડાવ પર હતી. બારી ગામથી ૭૦૦/૮૦૦ ફૂટ ઉપર ચઢાણ કરીએ તો કળસુબાઈ તથા હનુમાનજીનું એક નાનું મંદિર છે અને એ પરિસર વૃક્ષોથી છવાયેલો છે. પર્ણોનો મર્મર ધ્વનિ અને પંખીઓના ટહુકા એ પવિત્ર વાતાવરણને સૂરીલું બનાવે છે. રાજ્યગીતના ગાન બાદ કેટલીક કાવ્યપંક્તિઓ અને પ્રકૃતિ ભ્રમણનો પ્રસંગ ટાંકીને સંજય પંડ્યાએ હિમાંશુ પ્રેમનો પરિચય આપ્યો.

જળના પડદે, જરીક અમસ્તી ફાટ પડેને, જળરાશિની છાતીનાં બે કટકા કંપે -એવી પ્રલંબ લયની રચના સંજય પંડ્યાએ સંભળાવી હતી.  પહાડ પર આયોજિત આ સાહિત્યગોષ્ઠિ અદભુત રહી એમ ભરત સંઘવી, જયેશ આનંદપરા જેવા ભાવકોએ જણાવ્યું. માલિનીબહેન તથા અશ્વિનભાઈ જેવાં સિનિયર સિટીઝન પણ સાહિત્ય અને પ્રકૃતિનાં ચાહક તરીકે સાથે જોડાયાં હતાં તો યુવાન વૈભવ માટે પણ આ પ્રથમ અને યાદગાર અનુભવ હતો.

આ કાર્યક્રમની પરિકલ્પના કવિ હિતેન આનંદપરાની હતી. ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા નીલેશ પટેલ તથા તરુણ પટેલે અકાદમી વતી ઝીણી-ઝીણી બાબતોનું આયોજન કરી, સાથે રહી કાર્યક્રમને પણ માણ્યો અને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.