મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાંઈલીલા વેલફેર ટ્રસ્ટના ઝરુખોના સહયોગમાં ત્રણ સર્જકોની સ્મૃતિવંદના યોજાશે.
“જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે!”
ગની દહીંવાલાનો આ શેર સર્જકો અને કલાવંતો માટે સાવ સાચો છે, જેમને ચાહકો વર્ષો પછી પણ યાદ રાખે છે.
“અમે ચાલ્યા જશું પળમાં પરોઢી પ્હોર થાવા દો
પછી વિખરાશું ઝાકળમાં પરોઢી પ્હોર થાવા દો”
જેવી ઉત્તમ અને યાદગાર રચનાઓ લખનાર કવિ હરિહર જોષી હોય કે પછી પોતાનાં કાવ્યો, એકોક્તિ, ખગોળ શાસ્ત્રના જ્ઞાન તથા સ્નેહથી મિત્રોને ભીંજવનારાં કવયિત્રી મનોજ્ઞા દેસાઈ હોય, મુંબઈના ભાવકોના હૃદયમાં,એમની વિદાયનાં વર્ષો બાદ પણ એમનું એક નિશ્ચિત સ્થાન છે. વળી, તાજેતરમાં કવિ, વાર્તાકાર, નિબંધકાર ધર્મેશ ભટ્ટે પણ અચાનક એક્ઝિટ લીધી. આ ત્રણેય સર્જકોને એમની રચનાઓ દ્વારા યાદ કરવાનો ઉપક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા ઝરુખોએ યોજ્યો છે.
આ કાર્યક્રમ છઠ્ઠી જાન્યુઆરી શનિવાર સાંજે ૭.૪૫ વાગ્યે યોજાશે, આ યોજાનારા કાર્યક્રમમાં માલિની પંડિત નાયક હરિહર જોષી અને મનોજ્ઞા દેસાઈનાં ગીતોની રજૂઆત કરશે. કવિ સંદીપ ભાટિયા, ધર્મેશ ભટ્ટના સર્જન વિશે વાત કરશે. કટારલેખક રજની મહેતા હરિહર જોષીના સર્જન વિશે તથા એમની મૈત્રી વિશે વાત કરશે. વિભૂતિ દેસાઈ એમનાં પરિવારનાં જ મનોજ્ઞા દેસાઈનાં સર્જન અને ભાવસભર વ્યક્તિત્વની વાત કરશે. બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમને સરનામે યોજાયેલા આ જાહેર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.