મુંબઈ – મહારાષ્ટ્રમાં વોટરસ્પોર્ટ્સની જેમ જીપ પેરાસેલિંગ એડવેન્ચર રમતને પરવાનગી આપવામાં આવી નથી.
જીપ પેરાસેલિંગ પ્રવૃત્તિ ગેરકાયદેસર અને અમાન્ય છે, એવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. મુંબઈ નજીકના રાયગડ જિલ્લાના મુરુડ દરિયાકિનારે પેરાસેલિંગ કરતી વખતે 80-ફૂટ ઊંચેથી પડી જવાથી 15-વર્ષના છોકરાનું મૃત્યુ નિપજ્યાની ઘટનાને પગલે આ નિર્ણય લેવાયો છે.
તે ઘટનાના સંદર્ભમાં પેરાસેઈલ ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે અને એની સામે કોર્ટ કાર્યવાહી ચલાવી એને સજા કરાશે.
ગયા મે મહિનામાં બનેલી ઘટનામાં, મુરુડ દરિયાકાંઠે 15-વર્ષનો વેદાંત પવાર એના પિતા ગણેશ પવારની સાથે પેરાસેલિંગ કરતો હતો ત્યારે પેરેશૂટની દોરી તૂટવાથી બંને જણ નીચે પછડાયા હતા. એમાં વેદાંતનું ઘટનાસ્થળે જ મરણ નિપજ્યું હતું અને એના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગણેશ પવાર તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એમને માથામાં વાગ્યું હતું પગમાં ફ્રેક્ચર થયું હતું.
તે ઘટનાને પગલે મહારાષ્ટ્રમાં પર્યટન સ્થળો પર ગેરકાયદેસર રીતે ચલાવાતી પેરાસેલિંગ સુવિધા બંધ કરાવવાની માગણી કરવામાં આવી હતી. સરકારે હવે રાજ્યના સમુદ્રકિનારાઓ પર પેરાસેલિંગ પ્રવૃત્તિઓને ગેરકાયદેસર જાહેર કરી દીધી છે.
પવાર પરિવાર પુણેમાં રહે છે. ગણેશ પવાર પુણે શહેરમાં કુરિયરના ધંધાર્થી છે અને એમના પત્ની પુણેમાં શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વેદાંત એના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. વેદાંત તેના માતા-પિતા અને દાદા-દાદી સાથે પિકનિક માટે મુરુડ દરિયાકિનારે ગયો હતો અને એના પિતાની સાથે પેરાસેલિંગનો આનંદ માણતો હતો. બંને જણ આકાશમાં 80 ફૂટ ઊંચે હશે ત્યારે કમનસીબે પેરેશૂટની દોરીઓ વીંટળાઈ ગઈ હતી અને તેઓ નીચે પછડાયા હતા. ગણેશ પવાર એમના પુત્રની ઉપર પડ્યા હતા એટલે એમને ઓછું વાગ્યું હતું, પણ વેદાંત ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
સ્થાનિક પોલીસે સાગર ચૌલકર નામના પેરાસેલ ઓપરેટર સામે ભારતીય ફોજદારી કાયદાની કલમો (બેદરકારીથી કોઈનું મોત નિપજાવવું, કોઈનો જાન કે અંગત કે અન્યોની સલામતીને જોખમમાં મૂકતી પ્રવૃત્તિ દ્વારા ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધ્યો છે.