મુંબઈઃ દેશની બ્લોક મિકેનીઝમ મારફત સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડિંગ માટેના બિટા વર્ઝનને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે, જેને પગલે દેશના રોકાણકારોને એક એવી સુવિધા ઉપલબ્ધ થઈ છે, જેમાં તેમણે કરેલા સોદાની રકમ જેટલી જ રકમ કે સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશનના આદેશ બાદ તેમના ખાતામાંથી બાદ થશે.
હાલમાં જેમ ઈનિશિયલ પબ્લિક ઓફરમાં અરજી કરવા જેમ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (અસ્બા) સુવિધા ઉપલબ્ધ છે એવી જ સુવિધા હવે સેકન્ડરી માર્કેટમાં કામકાજ કરવા માટે પણ દાખલ કરવામાં આવી છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું.
આ સુવિધા 1 જાન્યુઆરી, 2024થી ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને પગલે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થશે અને અમે માનીએ છીએ કે સિક્યુરિટીઝમાં આ રીતે ટ્રેડિંગ કરવાનું રિટેલ રોકાણકારોમાં અધિક લોકપ્રિય થઈ પડશે, એમ એનએસઈએ જણાવ્યું હતું. આ સુવિધા હેઠળ રોકાણકારો સ્ટોક માર્કેટમાં તેમના એકથી અધિક વ્યવહારો ઉધારવા માટેની રકમ તેમનાં બેન્કમાંનાં ખાતામાં બ્લોક કરી શકશે, જે ટ્રેડ સેટલમેન્ટ સમયે ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા ઉધારવામાં આવશે. ટીપ્લસ વન ધોરણે સોદાઓનું સેટલમેન્ટ થશે.