મુંબઈઃ અખબારોનું વિતરણ કરવાથી કોરોના વાઈરસ ચેપ ફેલાય છે એવા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના વલણની મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે સરકારે આવા અંધશ્રદ્ધા અને અપ્રમાણિત નિવેદનो કરવા ન જોઈએ.
કોર્ટે કહ્યું કે આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને પૂછ્યા વગર આવા નિવેદનો કરવા યોગ્ય નથી.
કોરોનાનો ફેલાવો રોકવા માટે ઘેર-ઘેર અખબારોનું વિતરણ બંધ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર ન્યાયમૂર્તિ પી.બી. વરાલેની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી કરી હતી.
ઘેર-ઘેર અખબારોનું વિતરણ રોકી દેવાના રાજ્ય સરકારના નિર્ણયની ચોમેર ટીકા કરવામાં આવી છે. જો કે સરકારે એના નિર્ણયમાં થોડીક ઢીલ મૂકીને મુંબઈ, પુણે શહેરો તથા કોરોનાગ્રસ્ત વિસ્તારોને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં અખબારોનું ઘેર-ઘેર વિતરણ કરવા દેવાની છૂટ આપી છે.
રાજ્ય સરકારના વકીલ ડી.આર. કાળેએ એક સોગંદનામામાં કોર્ટને જણાવ્યું હતું કે કોરોના વાઈરસના વિષાણુઓ કોઈ સપાટી પર લાંબા સમય સુધી પડ્યા રહે છે. અખબારો એક હાથમાંથી બીજા હાથમાં પસાર થતા હોવાથી આ રોગનો ચેપ લાગવાની સંભાવના રહે છે.
આ દલીલ સાંભળીને ન્યાયમૂર્તિ વરાલેએ કહ્યું કે સોગંદનામામાં દર્શાવેલા તર્કો કોર્ટની સમજમાં આવતા નથી. એવું લાગે છે કે સોગંદનામામાં અંધશ્રદ્ધાવાળી વાત કરવામાં આવી છે. આવી વાતોનો કોઈ નક્કર આધાર નથી. આમાં ન તો આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે ન તો એમની કોઈ ટિપ્પણી છે. એનાથી વિપરીત, અખબારોમાં પ્રકાશિત નિષ્ણાતોના નિવેદનોથી સ્પષ્ટ રીતે જણાય છે કે અખબારો દ્વારા ચેપ ફેલાવાની ધારણા રાખવાની જરૂર નથી. લોકડાઉન દરમિયાન અખબારોનો ફેલાવો એટલા માટે વધ્યો છે કે લોકોને આ જ માધ્યમ દ્વારા તાજા સમાચાર વાંચવા મળે છે અને વિસ્તારની જાણકારી મળે છે.
આ કેસમાં કોર્ટના મિત્ર (એમિકસ ક્યૂરી) સત્યજીત બોરાએ કહ્યું કે ચેન્નાઈમાં ઘેર-ઘેર અખબાર પહોંચાડવાના નિર્ણયને સ્થગિત કરી દેવાની માગણી કરતી એક પીટિશનને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી છે. બોરાએ તે આદેશની કોપી ઔરંગાબાદ બેન્ચના ન્યાયાધીશો સમક્ષ રજૂ કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે બોરાની માગણીનો સ્વીકાર કર્યો હતો અને કેસની હવે પછીની સુનાવણી 11 જૂને કરવાનું નક્કી કર્યું છે.