મુંબઈઃ શહેરમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે તાજેતરના ભૂતકાળમાં ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન પાછાં મેળવવાની મુંબઈગરાઓ હવે આશા રાખી શકે છે. ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ ટ્રેનપ્રવાસીઓનાં શોધી કાઢવામાં આવેલા મોબાઈલ ફોનને પાછાં મેળવવા માટે એક વિશેષ દળની રચના કરી છે.
જીઆરપી, મુંબઈના કમિશનર કૈઝર ખાલિદે કહ્યું છે કે, 2018 અને 2021 વચ્ચેના સમયગાળામાં મુંબઈની લોકલ ટ્રેનોનાં પ્રવાસીઓના 4000થી વધારે મોબાઈલ ફોન ચોરાયા હતા. એ ફોનને શોધી કાઢવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી પાછા મેળવી શકાયા નથી. ચોરાયેલા અને શોધી કઢાયેલા 4,103 મોબાઈલ ફોનમાંથી માત્ર 822 ફોન મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં શોધી કાઢવામાં આવ્યા છે. બાકીના 3,281 ફોન દેશના અન્ય રાજ્યોમાં ઉપયોગમાં હોવાનું માલૂમ પડ્યું છે. એ ફોનને પણ પાછા મેળવવા માટે જીઆરપી દ્વારા સ્પેશિયલ દળની રચના કરવામાં આવી છે. આ દળના જવાનોએ તે ફોન મેળવવા માટે જુદા જુદા રાજ્યોની મુલાકાત લેવાનું શરૂ પણ કરી દીધું છે. આ ફોન-ચોરી બનાવોમાં ચેન ખેંચીને ભાગનારાઓ કે પાકિટમારો સંડોવાયેલા હોવાનું માલૂમ પડ્યું છે.
કમિશનર ખાલિદે કહ્યું કે આ ગેરપ્રવૃત્તિઓમાં ચોરોની ટોળકી સક્રિય છે. ટોળકીના સભ્યો દેશભરમાં એજન્ટોના સંપર્કમાં રહે છે. એજન્ટો ચોરો પાસેથી ચોરાયેલા ફોન પાણીના ભાવે ખરીદતા હોય છે.