મુંબઈઃ પ્લાસ્ટિકના થતા ટનબંધ કચરાથી છૂટકારો મેળવવા માટે કટિબદ્ધ થયેલી ભારત સરકારે આવતા વર્ષની 1 જુલાઈથી સિંગલ-યૂઝ કે યૂઝ-એન્ડ-થ્રો પ્લાસ્ટિક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પોલિસ્ટાઈરીન અને વિસ્તારિત પોલિસ્ટાઈરીનથી બનાવેલી પ્લાસ્ટિકની સિંગલ-યૂઝ ચીજવસ્તુઓની આયાત, સંગ્રહ, વિતરણ એમ તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકાશે. આ પ્રતિબંધનો પહેલો તબક્કો આ વર્ષના સપ્ટેમ્બરથી શરૂ કરાશે. તેમાં 75 માઈક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિકની થેલીઓ-બેગ્સ પર પ્રતિબંધ મૂકાશે. બીજો તબક્કો 31 ડિસેમ્બર, 2022 શરૂ કરાશે, જેમાં 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક ચીજો પર પ્રતિબંધ મૂકાશે.
પ્લાસ્ટિકની આ ચીજો પર આવશે પ્રતિબંધઃ પ્લેટ્સ, કપ, ગ્લાસ, ચમચી-ચમચા, કાંટા, ચાકુ, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના બોક્સ પર વીંટાળવામાં આવતા રેપર કે પેકિંગ ફિલ્મ્સ, ઈન્વિટેશન કાર્ડ, સિગારેટ પેકેટ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિક કે પીવીસીના બેનર, પ્લાસ્ટિકની સ્ટીક યુક્ત ઈયર બડ્સ, ફૂગ્ગાઓ માટેની પ્લાસ્ટિકની દાંડીઓ, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી સ્ટિક, આઈસક્રીમની પ્લાસ્ટિકની દાંડીઓ, પોલિસ્ટાઈરીન (થર્મોકોલ)ની સજાવટની સામગ્રીઓ