મુંબઈ – બોલીવૂડ અભિનેતા ગોવિંદ આહુજા ઉર્ફે ગોવિંદાના યુવાન વયના ભત્રીજા જનમેન્દ્ર આહુજા ઉર્ફે ડમ્પી આજે સવારે અંધેરી (વેસ્ટ)ના વર્સોવા વિસ્તારમાં એના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ડમ્પીની ઉંમર 34 વર્ષની હતી.
ડમ્પી ગોવિંદાના મોટા ભાઈ અને ફિલ્મનિર્માતા કીર્તિ કુમારના દીકરા હતા. કીર્તિ કુમારે ડમ્પીને દત્તક લીધા હતા.
ડમ્પીનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. એમને આજે સવારે લગભગ 6.30 વાગ્યે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે બેભાનાવસ્થામાં જમીન પર પડી ગયા હતા. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે એ પહેલાં જ એ મૃત્યુ પામ્યા હતા.
બાદમાં એમના પાર્થિવ શરીરને પોસ્ટમોર્ટમ માટે અંધેરીની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.
કીર્તિ કુમારના એકમાત્ર પુત્ર ડમ્પીનાં અચાનક મૃત્યુથી આહુજા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
ડમ્પીના મૃત્યુની જાણ થતાં ગોવિંદા, કૃષ્ણા અભિષેક, રાગિણી ખન્ના તથા કુટુંબના અન્ય સભ્યો વર્સોવા ઘેર પહોંચ્યાં હતાં. કોમેડિયન કૃષ્ણા અભિષેક ગોવિંદા-ડમ્પીનો પિતરાઈ ભાઈ છે.
ડમ્પીના પાર્થિવ શરીરના આજે બપોરે વિલેપારલે સ્થિત પવનહંસ સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ડમ્પી કીર્તિ કુમારના ઘરમાં કામ કરનાર નોકરદંપતી મહેન્દ્ર અને લાલીના દીકરા હતા, જેને કીર્તિ કુમારે એને દત્તક લીધો હતો.
જન્મેન્દ્ર આહુજા (ડમ્પી) ઉભરતા ફિલ્મનિર્માતા હતા. એમણે 2007માં બોલીવૂડ ફિલ્મ ‘જહાં જાયેગા હમેં પાયેગા’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં ગોવિંદાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ડમ્પીએ ‘પ્યાર દીવાના હોતા હૈ’ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું.
કહેવાય છે કે 2006માં એક મહિલા પર હુમલો કરવા બદલ અને એનાં પતિની મારપીટ કરવા બદલ પોલીસે ડમ્પી તથા એના ચાર મિત્રોની ધરપકડ કરી હતી.