‘ચિત્રલેખા’ના કટારલેખક નગીનદાસ સંઘવી ‘પદ્મશ્રી’થી સમ્માનિત

મુંબઈ – ભારત સરકારે દેશના 70મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ વર્ષ 2018 માટેના ‘પદ્મ’ એવોર્ડ્સની આજે જાહેરાત કરી છે. ‘ચિત્રલેખા’ પરિવારના ૯૯ વર્ષી કટારલેખક નગીનદાસ સંઘવીને ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

ચાર પ્રતિષ્ઠિત નાગરિકોને ‘પદ્મવિભૂષણ’ એવોર્ડ આપવામાં આવ્યા છે, 14 હસ્તીઓને ‘પદ્મભૂષણ’ અને 94 જણને ‘પદ્મશ્રી’ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણી અનિલકુમાર મણીભાઈ નાઈક, મહારાષ્ટ્રના બળવંત મોરેશ્વર પુરંદરે, છત્તીસગઢના તીજાન બાઈ અને જીબુટીના ઈસ્માઈલ ઓમર ગુલેહ (વિદેશી)ને ‘પદ્મવિભૂષણ’ એવોર્ડ આપવામાં આવ્યો છે.

‘પદ્મશ્રી’ એવોર્ડવિજેતાઓમાં ‘ચિત્રલેખા’ના કટારલેખક નગીનદાસ સંઘવી (‘ભારતનું મહાભારત’ કટાર)ને સાહિત્ય, શિક્ષણ અને પત્રકારત્વ માટે, ગુજરાતનાં જ્યોતિ ભટ્ટ (આર્ટ-પેઈન્ટિંગ), મહારાષ્ટ્રના દિન્યાર કોન્ટ્રાક્ટરને અભિનય માટે, ગુજરાતના જોરાવરસિંહ જાધવને કળા-લોકનૃત્ય, ગુજરાતના વલ્લભભાઈ વસરામભાઈ મારવણીયા કૃષિ માટે, ગુજરાતના બીમલ પટેલને આર્કિટેક્ચર સહિત 94 વ્યક્તિને ‘પદ્મશ્રી’ આપવામાં આવ્યાં છે.

‘પદ્મશ્રી’ એવોર્ડ જીતવામાં ‘ચિત્રલેખા’એ હેટ-ટ્રીક કરી છે. આ પહેલાં ‘ચિત્રલેખા’ના કટારલેેખકો તારક મહેતા અને ગુણવંત શાહ પણ ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી ચૂક્યા છે.