મુંબઈ – મોનોરેલ સેવાને આજે બે વખત તકલીફ નડી હતી. ટેકનિકલ ખામીને કારણે આ સેવા આજે સવારે બે અલગ અલગ સમયે તે એક-એક કલાક સમય સુધી અટકી પડી હતી.
પહેલો બનાવ સવારે આશરે 10 વાગ્યે વડાલા બ્રિજ સ્ટેશન ખાતે બન્યો હતો અને બીજી વખત, બપોરે લગભગ 3.50 વાગ્યે આચાર્ય અત્રે નગર સ્ટેશન ખાતે ટ્રેન અટકી ગઈ હતી.
સવારની ઘટનામાં, વડાલા બ્રિજ સ્ટેશન ખાતે ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમમાં ખામી ઊભી થઈ હતી. ટ્રેન અટકી જતાં પ્રવાસીઓને ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને ટ્રેનને ચકાસણી માટે વડાલા ડેપો ખાતે મોકલી દેવામાં આવી હતી.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું કે બગડી ગયેલી એક મોનોટ્રેનને ડેપો સુધી લઈ જવા માટે બીજી ટ્રેનની મદદ લેવી પડી હતી. તે ટ્રેન બગડેલી ટ્રેનને ધક્કા મારીને ડેપો સુધી લઈ ગઈ હતી.
વડાલાના એક રહેવાસીએ કહ્યું કે એ દ્રશ્ય વિચિત્ર હતું.
એ ઘટનાને કારણે સમગ્ર કોરિડોર પર ટ્રેન સેવા લગભગ એક કલાક માટે ખોરવાઈ ગઈ હતી.
પાંચ કલાક બાદ, બપોરે લગભગ 3.50 વાગ્યે, ફરી ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. એ વખતે ટ્રેનને મળતો વિદ્યુત પુરવઠો ખોરવાઈ ગયો હતો. 4.05 વાગ્યે ટ્રેનના દરવાજા ખોલી શકાયા હતા અને પ્રવાસીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા.
એક પ્રવાસીએ કહ્યું કે ટ્રેન આચાર્ય અત્રે નગર સ્ટેશને પહોંચી ત્યારે ટ્રેનમાંની લાઈટ્સ અચાનક બંધ થઈ ગઈ હતી અને લોકો ગભરાઈ ગયા હતા. ટ્રેનનાં દરવાજા ખુલ્યા ત્યારે અમને સૌના જીવમાં જીવ આવ્યો હતો.
એક મહિલા પ્રવાસીએ કહ્યું કે અમને ટિકિટનું રીફંડ આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. બીજી ટ્રેન આવતાં લગભગ પોણો કલાક નીકળી જાય એમ હતો.
MMRDAના પ્રવક્તા દિલીપ કાવઠકરનું કહેવું છે કે ટ્રેન સેવા બે કલાક અટકી જતાં મોનોરેલ સેવામાં સવારીઓમાં 40 ટકા ઘટાડો થઈ ગયો. ચારમાંથી માત્ર બે જ ટ્રેન ચાલુ હતી. જોકે આવતીકાલથી સેવા બરાબર થઈ જશે.
MMRDA પાસે મોનોરેલ માટે 10 ટ્રેન છે, પણ એમાંથી માત્ર ચાર જ કાર્યરત છે. આ ચાર ટ્રેન દરરોજ ચેંબૂર અને મહાલક્ષ્મી વચ્ચે 130 ફેરી કરે છે.
ગઈ 3 માર્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડાલા અને મહાલક્ષ્મીને જોડતા ફેસ-2 પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. ફેસ-1માં ચેંબૂર અને વડાલા વચ્ચે ટ્રેન દોડાવાય છે.