મુંબઈઃ ‘શિક્ષણ એવું હોવું જોઈએ કે જેનાથી વિધાર્થીઓનો શૈક્ષણિક ઉપરાંત ફિઝિકલ, મેન્ટલ, ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ વિકાસ થાય. માત્ર ઈંગ્લિશ ભણવાથી, બોલવાથી આપણે ઈન્ટરનેશનલ થઈ જતા નથી. ખરેખર તો આપણા વિધાર્થીઓને શિક્ષણ અને અન્ય માધ્યમ મારફત આપણી પોતાની સંસ્કૃતિનો પરિચય કરાવવો જરુરી છે, આપણા મુળિયા સુધી તેમને લઈ જવા જોઈએ, આપણી સંસ્કૃતિને સમજયા વિના તેઓ વાસ્તવિક અને સાત્વિક વિકાસ કરી શકે નહી.’ આ વિધાન જાણીતાં અભિનેત્રી, સમાજસેવિકા અને શિક્ષણશાસ્ત્રી સ્વરુપ સંપટ રાવલે કર્યુ છે. કેઈએસ (કાંદિવલી એજયુકેશન સોસાયટી) દ્વારા જમનાબાઈ નરસી સ્કુલના સંચાલકો-સ્થાપકોના સહયોગમાં સ્થપાયેલી કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલના હાલમાં જ યોજાયેલા એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલાં સ્વરુપ સંપટે ઈંગ્લિશ તેમ જ ગુજરાતી, બંને ભાષામાં વિધાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ અને સ્કુલો તેમ જ તેમના પેરેન્ટસ બાબતે રસપ્રદ અને માર્ગદર્શક વિચારો વ્યકત કર્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, ‘મેં મારા ઘરમાં બાળકો માટે ટીવી માત્ર અડધો કલાક જોવાનો નિયમ બનાવ્યો હતો, એ પછી હું તેમને હોમવર્ક પર લગાડી દેતી નહીં, બલકે બહાર રમવા જવાનું કહેતી. શારીરિક રમત-પ્રવૃતિ જીવનમાં બહુ જ મહત્વની છે. અત્યારની પેઢી તો માત્ર મોબાઈલ પર આંગળીઓ ફેરવીને ફક્ત આંગળીઓને જ કસરત કરાવે છે, તે પણ કેટલી સાર્થક છે એ સવાલ છે. જો કે વિધાર્થીઓ પર ભણતર બોજ જેવું ન લાગવું જોઈએ.’ પોતાનો જ દાખલો આપતા તેમણે કહ્યું હતું કે, ‘હું અંગ્રેજી મીડિયમમાં ભણી હતી અને પરેશ (અભિનેતા પરેશ રાવલ) ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા તે છતાં તેઓ મારાં કરતા બહેતર અંગ્રેજી બોલી શકે છે. કારણ કે પરેશે તેના પાયા સાથે રહીને શિક્ષણ લીધું હતું.’ સ્વરુપ સંપટે શિક્ષકો અને પેરેન્ટસને સંબોધીને એક વાત ભારપુર્વક કહી હતી કે બાળક માટે સૌપ્રથમ શિક્ષક તેના માતા-પિતા છે. એ પછી શિક્ષક તો છે જ. પરંતુ ઘરના -પરિવારના માહોલમાં બાળક શું શીખે છે એ ખુબ મહત્વનું છે. તેને માત્ર બાહ્ય કલાસિસના ભરોસે છોડી દેવા જોઈએ નહીં, કિંતુ માતા-પિતાએ પણ તેમના શિક્ષણ અને ઉછેર-સંસ્કાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, તેમને પુરતો સમય આપવો જોઈએ.
કાંદિવલી વેસ્ટમાં જમનાબાઈ નરસીના સુજય જયરાજની કંપની એડ્યુસોલ અને તેમની ટીમના સહયોગમાં શરુ થયેલી કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલનાં પ્રાંગણમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં નરસી મોનજી એજ્યુકેશનલ ટ્રસ્ટના જમનાબાઈ નરસી ગ્રુપ ઓફ સ્કુલ્સના મેનેજિંગ ટ્રસ્ટી જયરાજભાઈ ઠક્કર અને તેમના પત્ની ઉવર્શીબેન પણ હાજર રહ્યાં હતાં. જયરાજભાઈએ આ પ્રસંગે બહુ સરસ માર્મિક વાત કરતા કહ્યુ હતું કે, ‘બાળકને સારું શિક્ષણ અપાવો અને પછી ૨૦ વરસની રાહ જુઓ, તમને વીસ વરસમાં પરિણામ મળશે, જે મને મારા દીકરા સુજયમાંથી વીસ વરસે મળ્યું છે. આજે સુજય જયરાજ શિક્ષણ ક્ષેત્રે સારી નામના-સફળતા ધરાવે છે. જયરાજ અને સુજય જયરાજ ચત્રભુજ નરસીના પરિવારની પેઢી છે.’
આ પ્રસંગે એડ્યુસોલ પ્રાઈવેટ લિ.ના સ્થાપક સુજય જયરાજે પણ સ્કુલની સ્થાપના, કનસેપ્ટ અને અભિગમ બાબતે વાત કરી તેનું મહત્વ સમજાવ્યું હતું અને આ સ્કુલમાં તમામ દ્રષ્ટિએ ઉત્તમ શિક્ષણ સાથે અનેકવિધ રચનાત્મક-સર્જનાત્મક પ્રવૃતિઓની ખાતરી આપી હતી. આ પ્રસંગે, કેઈએસના વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહે તેમની આગવી શૈલીમાં કેઈએસ સંસ્થાની વિશેષતા જણાવી હતી, તેમણે વેલ્યૂ બેઝ્ડ એજ્યુકેશન (મૂલ્ય-આધારિત શિક્ષણ) પર ભાર મુકયો હતો, જે આ સંસ્થા છેલ્લા ૮૦ વરસથી આપતી આવી છે. તેમણે સ્વરુપ સંપટ સંબંધિત અર્થસભર વાત કરતા કહ્યું હતું કે રુપ અને સ્વરુપ બંને તેમની પાસે છે, જેમાં સ્વરુપ એ ઈન્ટરનલ બ્યુટી આંતરિક સુંદરતા છે, તેમની અનેકવિધ સમાજલક્ષી પ્રવૃતિઓ મારફત સ્વરુપ સંપટે તેમની આંતરિક સુંદરતાને સિધ્ધ કરી છે.
આ અવસરે કેઈએસના પ્રેસિડન્ટ સતીષ દત્તાણી, અન્ય ટ્રસ્ટીઓ – કારોબારીના સભ્યોમાં મહેશ ચંદારાણા, વિનોદ વોરા, રજનીકાંત ઘેલાણી, નવીન સંપટ, વગેરે ઉપસ્થિત રહયા હતા. રજનીકાંત ઘેલાણી કેઈએસ અને જમનાબાઈ નરસી વચ્ચે સહયોગ કરાવવામાં નિમિત્ત બન્યા હતા. જાણીતા સાહિત્યકાર-વિચારક ડો. દિનકર જોષી, કેઈએસના વિવિધ કોલેજ અને સ્કુલોનાં પ્રિન્સીપાલ્સ, શિક્ષકોએ પણ અહીં હાજરી પુરાવી હતી. બિજલ દત્તાણીએ સ્વરુપ સંપટનું મોમેન્ટોથી અભિવાદન કર્યુ હતું. આ પ્રસંગે અનેક પેરેન્ટસ પણ હાજર હતા. કાંદિવલી રિક્રીએશન કલબના પ્રેસિડન્ટ સંજય શાહ, આ સ્કુલના બિલ્ડીંગના આર્કિટેકટ વિજય ગોરડિયા, કેઈએસના લાઈફ મેમ્બર્સ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કેઈએસ ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ જોયસ ધનાસિંઘે શરુઆતમાં સર્વેનું સ્વાગત કરીને પૂર્વભૂમિકા બાંધી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો, ત્યારબાદ એક પ્રાર્થના રજૂ થઈ હતી અને ત્રણ યુવતીઓએ ગણેશ વંદનાને એક સુંદર નૃત્ય સ્વરુપે પ્રસ્તુત કરી હતી.