મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે રાજ્યની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના નવા વડા તરીકે ગઈ કાલે મુંબઈના વરિષ્ઠ પોલીસ અધિકારી દેવેન ભારતીની નિમણૂક કરી હતી અને ભારતીએ આજે એ ચાર્જ સંભાળી લીધો છે.
મહારાષ્ટ્ર સરકારે પોલીસ વહીવટીતંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. ઘણા પોલીસ અધિકારીઓની બદલી કરી દીધી છે.
જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) આશુતોષ ડુમ્બારેને બઢતી આપવામાં આવી છે અને એમને એન્ટી-કરપ્શન બ્યુરોમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. ડુમ્બારેની જગ્યાએ જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) તરીકે જોઈન્ટ કમિશનર (એડમિનિસ્ટ્રેશન) સંતોષ રસ્તોગીને નિયુક્ત કરાયા છે.
દેવેન ભારતીને જોઈન્ટ કમિશનર (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ – EOW) પદેથી બઢતી અપાતાં એમની જગ્યાએ સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ રાજવર્ધન સિન્હાની નિમણૂક કરાઈ છે. ભારતીય મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) પદે પણ હતા. એમને EOW પદે નિયુક્ત કરવાનું ચૂંટણી પંચે સૂચવ્યું હતું.
દેવેન ભારતી 1994ના બેચના IPS અધિકારી છે.
ભારતીએ એટીએસના વડા તરીકે અતુલચંદ્ર કુલકર્ણીનું સ્થાન લીધું છે. કુલકર્ણીને પુણેના સીઆઈડી વિભાગમાં પોલીસ મહાસંચાલક તરીકે બઢતી આપવામાં આવી છે.
દેવેન ભારતની ઓળખ એક ડેશિંગ અધિકારી તરીકેની રહી છે. એ 2015માં મુંબઈમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) પદે નિયુક્ત કરાયા હતા. આ પદ પર રહીને એમણે અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં તપાસ હાથ ધરી હતી.
મુંબઈમાં 26/11ના ત્રાસવાદી હુમલાઓ તેમજ પત્રકાર જે ડેની હત્યાના કેસમાં પણ એમણે તપાસ હાથ ધરી હતી.
મહારાષ્ટ્રમાં ઈન્ડિયન મુજાહિદ્દીન ત્રાસવાદી સંગઠનના જોરને તોડી પાડવાનું કામ પણ દેવેન ભારતીએ કર્યું છે. એમની એ ધમાકેદાર કામગીરીને ધ્યાનમાં લઈને જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના સરકારે એમને મહારાષ્ટ્ર એટીએસ પ્રમુખ તરીકે બઢતી આપી છે.