“ગ્લોબલ ટોપ 50 આઇબી સ્કૂલ્સ 2019”માં ટોપ ટેનમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ…

મુંબઈઃ મુંબઈનાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થિત નીતા એમ અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (ડીએઆઇએસ) બ્રિટનની સ્વતંત્ર કન્સલ્ટિંગ સંસ્થા એજ્યુકેશન એડવાઇઝર્સ લિમિટેડનાં મૂલ્યાંકન મુજબ “ગ્લોબલ ટોપ 50 આઇબી સ્કૂલ્સ 2019”માં દુનિયામાં ટોપ 10 ઇન્ટરનેશનલ બેકાલોરેટ (આઇબી) સ્કૂલ્સ વચ્ચે સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સ્કૂલ બની છે. આ રેન્કિંગ વર્ષ 2019 માટે એવરેજ આઇબી ડિપ્લોમા સ્કોર પર આધારિત છે.

વર્ષ 2019માં આઇબી ડિપ્લોમા XII એક્ઝામિનેશનમાં ડીએઆઇએસનાં વિદ્યાર્થીઓએ સરેરાશ 39.5 સ્કોર હાંસલ કર્યો હતો, જ્યારે મહત્તમ સંભવિત સ્કોર 45 પોઇન્ટ હતો, જેથી સ્કૂલ ભારત, દક્ષિણ એશિયામાં તમામ સ્કૂલોમાં નંબર 1, એશિયામાં ટોપ 6 અને દુનિયામાં ટોપ 10માં સામેલ થઈ છે.

આ યાદી મુજબ, એમાં સામેલ ઘણી શાળાઓ સમૃદ્ધ પરંપરા ધરાવે છે – એમાંથી કેટલીક શાળાઓ 100થી વધારે વર્ષોથી આઇબી ડિપ્લોમા એક્ઝામિનેશનમાં ઉત્કૃષ્ટ પરિણામનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.ડીએઆઇએસની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી અને વર્ષ 2007માં એની આઇબી ડિપ્લોમા સ્ટુડેન્ટ્સની પ્રથમ બેચ ગ્રેજ્યુએટ થયા પછી અત્યાર સુધી શાળાની દરેક બેચે આઇબી ડિપ્લોમા એક્ઝામિનેશનમાં ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા છે.

આ સફળતા પર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ અંબાણીએ કહ્યું હતું કેઃ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને આંતરરાષ્ટ્રીય સ્તરની ટોપ 10 આઇબી સ્કૂલની લીગમાં સ્થાન મળ્યું છે એ જણાવતા અમને ખુશી થાય છે. આ માન્યતા અમારી સ્કૂલનાં ઉત્કૃષ્ટ કલ્ચરને દર્શાવે છે તથા અમારાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતનો ખરાં અર્થમાં પુરાવો છે તેમજ અમારાં શિક્ષકો મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને ગર્વ છે કે, 16 વર્ષનાં ટૂંકા ગાળામાં અમારી નવી સ્કૂલ દુનિયામાં ટોપ-પર્ફોર્મિંગ સ્કૂલ્સમાં સ્થાન પામી છે, જેણે 100થી વધારે વર્ષોથી સ્થાપિત શાળાઓ વચ્ચે સ્થાન મેળવ્યું છે. આ સફળતા ડીએઆઇએસમાં અમને બધાને અમારાં બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવા અમારી જાતને ફરી પ્રતિબદ્ધ બનવા માટે પ્રેરિત કરશે.

એજ્યુકેશન એડવાઇઝર્સ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર લેસ વેબ્બે કહ્યું હતું કેઃ ચાલુ વર્ષે અમે પ્રથમ ભારતીય સ્કૂલ – ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને અમારાં ગ્લોબલ ટોપ 50 લીગ ટેબલ્સમાં ઇન્ટરનેશનલ બેકાલોરેટ ડિપ્લોમા પ્રોગ્રામ સ્કોર માટે પોઝિશન 10માં આવકારીને ખુશીની લાગણી અનુભવીએ છીએ. એનો અર્થ એ છે કે, ભારતમાં આઇબી ડીપી માટે નંબર 1 છે. તાજેતરનાં વર્ષોમાં આ આઇબી ટેબલમાં બ્રિટનની પ્રસિદ્ધ ખાનગી સ્કૂલનું વર્ચસ્વ રહ્યું છે, પણ હવે ઘણી એશિયન સ્કૂલ્સ, ખાસ કરીને સિંગાપોર અને હોંગકોંગની સ્કૂલ્સે ટોપ 10માં બ્રિટનની સ્કૂલ્સને પાછળ પાડી દીધી છે. એટલે મુંબઈની બેસ્ટ સ્કૂલને આ ટોપ ટેનમાં સ્થાન મેળવતાં જોઈને આનંદ થાય છે, જેનો સરેરાશ સ્કોર 39.5 પોઇન્ટ છે, જ્યારે મહત્તમ સ્કોર 45 પોઇન્ટ છે. અમે હંમેશા જણાવ્યું છે કે, તમારાં બાળક માટે શાળાની પસંદગી કરવાની એકમાત્ર રીત ટોપ એકેડેમિક સ્કોર નથી. જોકે હકીકત એ છે કે, 70 ટકા માતાપિતાઓ અમારી 12 વેબસાઇટ પર દર્શાવેલા લીગ ટેબલને અનુસરે છે, જે શૈક્ષણિક સફળતા માટે મહત્ત્વપૂર્ણ પરિબળ શું છે એ દર્શાવે છે.

પોતાની શરૂઆતથી અત્યાર સુધી સ્કૂલ હાંસલ કરેલા વિવિધ એવોર્ડ અને રેન્કિંગ ઉપરાંત ડીએઆઇએસ વર્ષ 2013થી અત્યાર સુધી સાત સતત વર્ષથી એજ્યુકેશન વર્લ્ડ દ્વારા ભારતમાં નંબર 1 ઇન્ટરનેશનલ સ્કૂલ તરીકે રેન્ક ધરાવે છે. સ્કૂલને એકેડેમિક રેપ્યુટેશન, ફેકલ્ટી કોમ્પિટન્સ, સ્પોર્ટ્સ એજ્યુકેશન અને લીડરશિપ/મેનેજમેન્ટ ક્વોલિટી માટે સર્વોચ્ચ રેટિંગ મળ્યું છે.

એજ્યુકેશન એડવાઇઝર્સ લિમિટેડ બ્રિટનમાં ખાનગી શાળાઓ અને કોલેજો વિશે માહિતી પ્રદાન કરે છે તેમજ ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓને સપોર્ટ ઓફર કરે છે. પોતાની 11 વેબસાઇટ દ્વારા કંપની ખાનગી સ્કૂલ્સ પર અપ ટૂ ડેટ ડેટા પબ્લિશ કરે છે, જેમાં સંપૂર્ણ અને સચોટ લીગ ટેબલ તેમજ સ્વતંત્ર શિક્ષણ વિશે સાધારણ માહિતી પ્રદાન કરે છે.

આઇબી ડિપ્લોમા પ્રોગ્રામ વિસ્તૃત રીતે પ્રશંસા પામેલ પ્રી-યુનિવર્સિટી પ્રીપેરેટરી પ્રોગ્રામ છે, જેને વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓ માન્યતા આપે છે. આઇબી પ્રોગ્રામ 156 દેશોમાં તમામ 5139 સ્કૂલમાં ઓફર થાય છે.