‘મિનિટોમાં મુંબઈ’: 3 નવી મેટ્રો યોજનાનાં શિલાન્યાસ પ્રસંગે PM મોદીનું સૂત્ર

મુંબઈ – તમામ મેટ્રો રેલવે લાઈન્સ કાર્યાન્વિત થઈ જશે એ પછી મુંબઈ મહાનગરના કોઈ પણ એક છેડેથી શહેરના કોઈ પણ વિસ્તારમાં પહોંચવા માટે માત્ર 60 મિનિટનો જ સમય લાગશે, એવો સરકારે દાવો કર્યો છે. મુંબઈમાં કુલ 14 મેટ્રો લાઈન થવાની છે, જેઓનું કુલ અંતર થશે 340 કિ.મી. હાલ મુંબઈમાં માત્ર એક જ મેટ્રો લાઈન ચાલે છે – વર્સોવાથી ઘાટકોપર, જે 11.40 કિ.મી.ના અંતરવાળી છે. 6 મેટ્રો લાઈન પર કામકાજ ચાલુ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં ત્રણ વધુ મેટ્રો રેલવે લાઈનનો શિલાન્યાસ કર્યો હતો. આ ત્રણ નવી લાઈન કુલ 42 કિલોમીટરનું અંતર આવરી લેશે.

આ ત્રણ લાઈન છેઃ 9.2 કિ.મી.ની ગાયમુખ (થાણે)થી શિવાજી ચોક (મીરા રોડ), 20.7 કિ.મી.ની કલ્યાણથી તળોજા અને 12.8 કિ.મી.ની સીએસએમટીથી વડાલા.

મોદીએ કહ્યું કે આ બધી લાઈનો શરૂ થઈ ગયા બાદ પ્રવાસીઓ માટે ‘મિનટોં મેં મુંબઈ’ જેવું થઈ જશે. કનેક્ટિવિટી, મોબિલિટી અને સસ્ટેનેબિલિટીથી મુંબઈનો વિકાસ વધશે.

વડા પ્રધાન મોદીએ ગોરેગાંવ (પૂર્વ)માં આરે મિલ્ક કોલોનીમાં બાંધવામાં આવનાર 32-માળના અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ મેટ્રો ભવનનો પણ શિલાન્યાસવિધિ સંપન્ન કર્યો હતો. આ મેટ્રો ભવનમાંથી મુંબઈની તમામ મેટ્રો રેલવે લાઈનોનું સંચાલન કરવામાં આવશે.

વડા પ્રધાને કાંદિવલી (પૂર્વ)માં બાણડોંગરી ખાતે પહેલા મેટ્રો સ્ટેશનનું ઉદઘાટન પણ કર્યું હતું. આ છે લાઈન નંબર 7, જે દહિસર (પૂર્વ)થી અંધેરી (પૂર્વ)ને જોડે છે. બાણડોંગરી આ લાઈન પર વચમાંનું એક સ્ટેશન છે. આ એલીવેટેડ લાઈન પર કુલ 14 સ્ટેશનો હશે.

મોદીએ કહ્યું કે 2024ની સાલ સુધીમાં મુંબઈ મેટ્રો ટ્રેનો હાલની મુંબઈ લોકલ ટ્રેનો કરતાં પણ વધારે લોકોને પ્રવાસ કરાવતી થઈ જશે.

બાણડોંગરી સ્ટેશન (કાંદિવલી-પૂર્વ)

મુંબઈમાં 14 મેટ્રો લાઈન બાંધવા માટે આવતા દસ વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 1.2 લાખ કરોડ પૂરા પાડશે.

વડા પ્રધાન મોદીએ અત્યાધુનિક અને સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલા પ્રથમ મેટ્રો ટ્રેન કોચનું ઉદઘાટન પણ કર્યું હતું.

મોટા ભાગની લાઈન 2025ની સાલ સુધીમાં તૈયાર થઈ જશે. હાલ છ કોરિડોર પર કામ ચાલુ છે. આ કોરિડોર છે – દહિસર (પૂર્વ)થી ડીએન નગર (અંધેરી-પશ્ચિમ) જે મેટ્રો 2A છે, ડીએન નગર (અંધેરી-પશ્ચિમ)થી મંડાલે (મેટ્રો 2B), કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ (મેટ્રો 3), વડાલા-કાસરવડાવલી (મેટ્રો 4), સ્વામી સમર્થ નગર (લોખંડવાલા)-જોગેશ્વરી-વિક્રોલી (મેટ્રો 6), અંધેરી (પૂર્વ)થી દહિસર (પૂર્વ) મેટ્રો-7.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી છે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનની અંદર ક્યાંય પણ જવા માટે પ્રવાસીઓને મેટ્રો ટ્રેનમાં એક કલાકથી વધારે સમય નહીં લાગે. તેમજ મેટ્રો ટ્રેન સેવા હાલની ઉપનગરીય ટ્રેન સેવા જેવી નહીં હોય, જે વારંવાર મોડી પડવાની સમસ્યાથી ગ્રસ્ત છે. એલીવેટેડ મેટ્રો ટ્રેનો ડ્રાઈવરવિહોણી હશે અને તે ખૂબ ઝડપથી અંતર કાપશે.

મુંબઈ દેશનું પહેલું જ શહેર બનશે જ્યાં ‘એક દેશ, એક કાર્ડ’ યોજના અંતર્ગત તમામ જાહેર પરિવહન સેવાઓ માટે સંકલિત ટિકિટિંગ પદ્ધતિ હશે જેમાં રેલવે, મેટ્રો રેલવે, મોનોરેલ, બસસેવા કે જળ ટ્રાન્સપોર્ટ, માટે એક જ ટિકિટનો ઉપયોગ કરી શકાશે. મુંબઈની મેટ્રો લાઈન પર દોડનારી ટ્રેનોનાં કોચ મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ અંતર્ગત ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. મેટ્રો યોજનાઓને લીધે 10 હજાર એન્જિનીયરો અને 40 હજાર કૌશલ્યપ્રાપ્ત કામદારોને નોકરીની તકો પ્રાપ્ત થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]