ઓટોરિક્ષા પાલઘર સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચી ગઈ; ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ – પાલઘર રેલવે સ્ટેશન પર ઓટોરિક્ષા જોવા મળી. આવો બનાવ એક મહિનામાં બીજી વાર જોવા મળ્યો હતો – ગયા બુધવારે. આ બનાવમાં રિક્ષાડ્રાઈવર પિન્ટુ શ્રીવાસ્તવ (24)ની ધરપકડ કરવામાં આવી છે.

પિન્ટુ રિક્ષાડ્રાઈવરને જામીન પર છોડવામાં આવ્યો છે.

એ તેની રિક્ષા પાલઘર સ્ટેશનના પ્લેટફોર્મ પર લઈ ગયો હતો. એનું કહેવું છે કે એક વરિષ્ઠ નાગરિકે બેચેની થતી હોવાની ફરિયાદ કરતાં પોતે એને મદદરૂપ થવા માટે પોતે રિક્ષા પ્લેટફોર્મ પર લઈ ગયો હતો.

આ ઘટના ગયા બુધવારે બપોરે બની હતી. પિન્ટુ સ્ટેશનની બહાર રિક્ષા પેસેન્જર માટે રાહ જોતો ઊભો હતો. ત્યારે એને એક ફેરિયાએ જાણ કરી હતી કે પ્લેટફોર્મ પર 85 વર્ષના એક વૃદ્ધ માણસે પોતાને બેચેની થઈ રહી છે એવી ફરિયાદ કરી છે. પિન્ટુ તરત જ પોતાની રિક્ષા પ્લેટફોર્મ પર લઈ ગયો હતો, એ વૃદ્ધજનને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા અને તરત જ નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યાં એને દાખલ કરાવ્યા હતા.

તે વૃદ્ધજન મુંબઈના રહેવાસી છે. એ ગણેશચતુર્થી નિમિત્તે એમના પૂર્વજોનાં ઘરની મુલાકાત લીધા બાદ મુંબઈ ઘેર પાછા ફરતા હતા. એ વખતે ભારે વરસાદ વરસી રહ્યો હતો અને ટ્રેન મોડી હતી. એ પ્રવાસી પ્લેટફોર્મ પર ઊભા હતા અને અચાનક એમને બેચેની થવા લાગી હતી. એમનાં પરિવારજનો એમની સાથે હતા. એમણે તેમને બેન્ચ પર સૂવડાવી દીધા હતા. એ જોઈને એક ફેરિયાએ સ્ટેશનની બહાર ઊભેલા રિક્ષાચાલક પિન્ટુને જાણ કરી હતી અને મદદ માગી હતી. પિન્ટુ સીધો એની રિક્ષાને પ્લેટફોર્મ પર લઈ ગયો હતો.

પ્રવાસી બીમાર પડી ગયાની સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ મિલિંદ કીર્તિકરને જાણ કરવામાં આવી હતી. એમણે ઈમરજન્સી મેડિકલ રૂમમાંથી એક નર્સને બોલાવી હતી અને પ્રવાસીને રિક્ષામાં પાલઘર ગ્રામિણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પાલઘર સ્ટેશન પર સીસીટીવી કેમેરા મૂકેલા નથી. ઓટોરિક્ષા પ્લેટફોર્મ આવ્યાના દ્રશ્યની તસવીરો અમુક પ્રવાસીઓએ એમના મોબાઈલ ફોનથી પાડી હતી અને તે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. એ તસવીરોના આધારે પાલઘર રેલવે પોલીસ ફોર્સે રેલવે કાયદાની કલમ 154 (પ્રવાસીઓની સલામતીને જોખમમાં મૂકવા કે બેદરકારી દાખવવા બદલ) કેસ નોંધ્યો હતો અને રિક્ષાડ્રાઈવરની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટે એને જામીન પર છોડ્યો હતો.

ગયા મહિને પણ આવી જ ઘટના બની હતી. એ વખતે 34 વર્ષનો ઓટોરિક્ષા ડ્રાઈવર સાગર ગવાડ એની રિક્ષાને વિરાર સ્ટેશનના એક પ્લેટફોર્મ પર લઈ ગયો હતો. એ વખતે તેણે એક ગર્ભવતી મહિલાને મદદ કરી હતી અને એને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. એની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી અને જામીન પર છોડવામાં આવ્યો હતો.