‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે બીએસઈ, UN દ્વારા યોજાયો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ

મુંબઈ તા. 6 માર્ચ, 2023: ‘વિશ્વ મહિલા દિન’ નિમિત્તે બીએસઈ ખાતે એક વિશેષ કાર્યક્રમ – રિંગ ધ બેલ ફોર જેન્ડર ઈક્વિાલિટી- યોજવામાં આવ્યો હતો, જેમાં બિઝનેસ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની મહિલા નેતાઓએ મહિલા સાહસિકોમાં મૂડીરોકાણને વેગવાન બનાવવાની તાકીદ કરી હતી.

બીએસઈ છેલ્લાં નવ વર્ષથી મહિલા દિનની ઉજવણી કરે છે. આ કાર્યક્રમ  યુએન વીમેન, ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન, સસ્ટેનેબલ સ્ટોક એક્સચેન્જીસ ઈનિશિયેટિવ, યુએન ગ્લોબલ કોમ્પેક્ટ અને વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસના સહકાર સાથે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુએન ઈન્ડિયાનાં કન્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ ફર્ગ્યુસનએ કહ્યું કે આ બેલ રિંગિંગ પ્રસંગ સ્ત્રીઓના સસ્ટેનેબલ આર્થિક વિકાસ અને સમાન હક આપવાની ખાનગી ક્ષેત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વક્તાઓએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે મહિલાઓની લીડરશીપને વધુ ખીલવવા તેમને વધુ મૂડી ઉપલબ્ધ કરવાની, ટેકો પૂરો પાડવાની અને તેમની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) સિદ્ધ કરવાની ભૂમિકાને પિછાણવાની જરૂર છે.

બીએસઈના સીઈઓ સુંદરારામન રામમૂર્તિએ મહિલાઓને સમાન અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા ઉપલબ્ધ થાય એ માટે કરાઈ રહેલા સતત પ્રયત્ન બદલ યુએન વીમેનનો આભાર માન્યો હતો. નાણાકીય સેવાઓના ક્ષેત્રે મહિલાઓના પ્રદાનને તેમ જ ક્ષેત્રની સમસ્યાઓ પ્રતિ મહિલાઓની ભિન્ન દૃષ્ટિની તેમણે સરાહના કરી હતી. રામમૂર્તિએ એ વાત પર ભાર મૂક્યો કે કંપનીઓએ  વય, વસતિ, સ્ત્રી-પુરુષ સમાનતા એમ વિવિધ દૃષ્ટિથી તપાસીને ભાવિનું આયોજન કરવું જોઈએ. આ પ્રસંગે નાણાકીય સુરક્ષા વિશે બીએસઈ અને યુએન વીમેન વચ્ચેના સહયોગમાં એક વર્ષ લાંબો નવો કાર્યક્રમ -ફિનએમ્પાવરમેન્ટ- લોન્ચ કરવામાં આવ્યો હતો.

યુનાઈટેડ નેશન્સના ભારત ખાતેના રેસિડેન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પે કહ્યું કે સ્ત્રી-પુરુષ સમાનતા જીવનના બધાં પાસાં માટે જરૂરી છે અને એ માટે મહિલા સશક્તિકરણ આવશ્યક છે. દેશના સર્વાંગી વિકાસ માટે મહિલા સાહસિકોને મૂડી ઉપલબ્ધ કરવી જરૂરી છે.