ઉત્તર ગુજરાત સોશિયલ ગ્રુપ, મુંબઈનો  ૪૩મા વર્ષમાં પ્રવેશ

મુંબઈઃ ઉત્તર ગુજરાત સોશિયલ ગ્રુપ, મુંબઈએ સામાજિક સેવાના ૪૨ વર્ષ પુરાં કર્યાં અને  ૪૩મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે  ફંડ  રેઈઝ કરવા માટે ‘જસુબેન જોરદાર’ નાટકના પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગ્રુપના પ્રમુખ દિનેશભાઈ ટી. શાહ તથા કવિ સંજય પંડ્યાએ સેવા કાર્યના પ્રસંગોની વાત કરી હતી તથા સંસ્થાની આગલા વર્ષોની સેવા પ્રવૃત્તિની પણ વાત કરી હતી. મધ્યાંતરમાં ભાગવતચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ આશીર્વચન આપ્યા હતા અને  બોધકથા દ્વારા પરિશ્રમ, એકતા અને સંઘ ભાવનાનું ઉદાહરણ પણ આપ્યું હતું.

ઉદ્યોગ ક્ષેત્રે અને સામાજિક સેવાના ક્ષેત્રના અગ્રણી સ્નેહલભાઈ અમૃતલાલ શાહ (સમારંભ પ્રમુખ) નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા ન હતા. સમારંભના મુખ્ય મહેમાન ચંદુભાઈ હીરાલાલ નાયીનું સન્માન ઉપપ્રમુખ બાબુભાઈ નાયીએ કર્યું હતું. અતિથિવિશેષ સંજયભાઈ રમેશભાઈ આચાર્યનું સન્માન ઉપપ્રમુખ શાંતિભાઈ ધનજીભાઈ પટેલે કર્યું હતું. સોશિયલ ગ્રુપના પ્રમુખ દિનેશભાઈ ટી. શાહે સંઘભાવના રાખી બધાં સાથે આવશે અને સાથે રહી કાર્ય કરશે તો ઘણું બધું કાર્ય કરી શકાશે એની વાત કરી હતી તથા સંસ્થાની પોતાની ઓફિસ થઈ એનો  રાજીપો વ્યક્ત કર્યો હતો. છેલ્લા બે ત્રણ વર્ષમાં સ્વર્ગવાસી થયેલા ભૂતપૂર્વ પ્રમુખ શાંતિભાઈ એમ પટેલ, નારણભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પરીખ, લાલચંદભાઈ ગાંધી, રામ બારોટ, દેવેન પંચાલ,  જાણીતા કલાકાર ઘનશ્યામભાઈ નાયક તથા દિગ્ગજ કલાકારો – અરવિંદ ત્રિવેદી, મહેશ કનોડીયા તથા નરેશ કનોડીયા આ સર્વને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પ્રમુખ દિનેશભાઈ ટી. શાહ ઉપરાંત શાંતિભાઈ ડી. પટેલ, બાબુભાઈ નાયી, અલ્કેશભાઇ વ્યાસ, શાંતિ કુમાર એમ. પટેલ , વિષ્ણુકુમાર ચૌધરી, મહેન્દ્ર વડગામા તથા  સમગ્ર કમિટીનું આ કાર્યક્રમની સફળતા પાછળ યોગદાન હતું. હવે પછીના મહિનાઓમાં સેવા કાર્યનો વ્યાપ  વધારવાની  કમિટીની મહેચ્છા પ્રમુખ દિનેશભાઈએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે એક રંગીન, માહિતીસભર સુવેનિયરનું લોકાર્પણ પણ ભાગવતાચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન કવિ સંજય પંડ્યાએ રસપ્રદ રીતે નિભાવ્યું હતું.

‘જસુબેન જોરદાર’ નાટકના લેખક તથા મુખ્ય કલાકાર નિમેષ શાહ, મલ્લિકા શાહ, સમીર રાજડા, શિલ્પા પટેલ, જય જાની તથા કોર્ડિનેટર પ્રકાશ મોદીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]