મુંબઈઃ BSE અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પીટીઈ લિમિટેડના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ ઇન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડે તેના ઓન-ડિમાન્ડ હાઈ-ટેક પ્લેટફોર્મ પર લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ માટે BSEએ દેશની બે અગ્રગણ્ય લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ નામે આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને પ્લેટફોર્મ પર સામેલ કરી છે.
લાઇફ ઇન્સ્યોરન્સનું બજાર વર્ષે 10 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધશે
આ સાથે BSE ઈબિક્સ પ્લેટફોર્મ પર લાઇફ, હેલ્થ અને ઓટો ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં લાઇફ ઇન્સ્યોરન્સનું બજાર વર્ષે 10 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી રહ્યું છે. વર્ષે બે ટ્રિલિયન રૂપિયાની આશરે ત્રણ કરોડ લાઇફ ઇન્સ્યુરન્સ પોલિસીઓનું વેચાણ થાય છે. આ વૃદ્ધિ દર આગામી વર્ષોમાં જળવાઈ રહેવાનો છે.
અમારી સ્થિતિ વધુ મજબૂત બની
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે લાઇફ ઇન્સ્યોરન્સ BSE ઈબિક્સ પર લોન્ચ થવાથી ઇન્સ્યોરન્સ ક્ષેત્રે અમારી સ્થિતિ વધુ મજબૂત બની છે. અમે આ બે લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓને તેમની બ્રાન્ડ અને ખાનગી ઇન્સ્યોરન્સ ક્ષેત્રે તેમની દાવાઓની પતાવટની સર્વોત્કૃષ્ટ સર્વિસ બદલ પસંદ કરી છે. અમે ઇન્સ્યોરન્સના બિટા મોડ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી છે અને તેમાં ઓર આગળ વધીશું.
આ પ્લેટફોર્મ સમક્ષ વિરાટ તક છે
ઈબિક્સ ગ્રુપના ચેરમેન, પ્રેસિડેન્ટ અને CEO રોબિન રાણાએ કહ્યું કે આ પ્લેટફોર્મ સમક્ષ વિરાટ તક છે. આ લોન્ચિંગ સાથે અમે BSE ઈબિક્સ પ્લેટફોર્મ સાથે નવ ઇન્સ્યોરન્સ કંપનીઓને સાંકળી ચૂક્યા છીએ. ભારતમાં ખૂણે-ખૂણે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ લઈ જવાની આવશ્યકતા છે ત્યારે આ પ્લેટફોર્મ દ્વારા સૌને લાભ થાય એ રીતે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસનું વિતરણ થઈ રહ્યું છે. BSE ઈબિક્સ ઇન્સ્યુરન્સ કંપનીઓના સહયોગમાં પ્રોડક્ટસની વિસ્તૃત રેન્જ ઓફર કરવા માગે છે.