મુંબઈઃ વિવાદાસ્પદ અભિનેતા અરમાન કોહલીએ જામીન પર છૂટવા માટે નોંધાવેલી જામીન અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. અરમાન ડ્રગ્સ કબજે કરાયાના એક કેસમાં ગયા ઓગસ્ટ મહિનાથી જેલમાં છે. ન્યાયમૂર્તિ નીતિન સામ્બ્રેની બેન્ચે અરમાનની જામીન અરજી ફગાવી દીધી હતી.
અરમાને એમ કહીને જામીન માગ્યા હતા કે 1.2 ગ્રામ જેટલી નાની માત્રામાં કોકેન રાખવા બદલ એની ધરપકડ કરવામાં આવી છે. આ કોકેન વ્યાપારી હેતુ માટેનું નહોતું અને આ ગુનો જામીનપાત્ર છે. જોકે કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ એમ કહીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો કે ડ્રગ્સના કેસમાં અરમાન કોહલીની ભૂમિકા બહુ ગંભીર પ્રકારની છે. એની ધરપકડ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ (એનડીપીએસ) કાયદાના ગંભીર આરોપો અંતર્ગત કરવામાં આવી છે અને તેને જામીન પર છોડવો ન જોઈએ.