મુંબઈઃ બોરીવલીમાં બોમ્બ જેવી ચીજ દેખાતાં ગભરાટ ફેલાયો; તપાસ કરતાં એ રમકડું નીકળ્યું

મુંબઈ – અહીં બોરીવલી (વેસ્ટ) ઉપનગરના ગોરાઈ વિસ્તારમાં આજે સવારે એક રસ્તા પર બોમ્બ જેવી ચીજવસ્તુ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તત્કાળ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ કરતાં એ રમકડાનો બોમ્બ હોવાનું માલૂમ પડ્યું હતું.

બોમ્બ જેવી તે ચીજ એક મહિલાની નજરે પડી હતી. તે મહિલા આ વિસ્તારની વી.કે. કૃષ્ણમેનન કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સની બસ એટેન્ડન્ટ તરીકે કામ કરે છે. બસ જ્યારે આજે સવારે લગભગ 8.30 વાગ્યે ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક પહોંચી હતી ત્યારે એને તે ચીજ દેખાઈ હતી. એણે તરત જ બસનાં ડ્રાઈવરને અને સ્કૂલની મેનેજમેન્ટને જાણ કરી હતી. જેમણે તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.

બોરીવલી પોલીસની એક ટૂકડી અને બોમ્બ સ્ક્વોડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બોમ્બનો કબજો લીધો હતો. તપાસ કર્યા બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડે સમર્થન આપ્યું હતું કે તે બોમ્બ નકલી હતો.

દરમિયાન, આ કેસમાં પોલીસ ક્રિમિનલ તપાસ યોજશે કે કેમ તે વિશે હજી ચોક્કસ થયું નથી.

ગોરાઈ વિસ્તારમાં બોમ્બ મળી આવ્યાના સમાચાર સવારે વોટ્સએપ સહિત સોશિયલ મિડિયા પર પોસ્ટ થતાં જ વાત ચારેતરફ પ્રસરી ગઈ હતી અને લોકો ચિંતિત થઈ ગયા હતા.