મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ (વર્ષ ૧૩મું)ની અંતિમ સ્પર્ધા રવિવાર ૧૩ જાન્યુઆરીની રાત્રે મુંબઈના ભવન્સ સભાગૃહમાં યોજાઈ ગઈ.
ભાવનગર અને અમદાવાદમાં છ-છ અને નવસારીમાં સાત મળી કુલ ૧૯ નાટકની ભજવણી પછી મુંબઈમાં અંતિમ સ્પર્ધા માટે ૧૧ નાટકની પસંદગી નિર્ણાયકોએ કરી હતી.
અંતિમ સ્પર્ધાના આખરી નાટકના મંચન પછી એવૉર્ડ્સ માટે નામાંકન જાહેર કરવામાં આવ્યા હતા.
‘એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ’ (આર્ટિઝમ થિયેટર, સુરત)ને ૧૧ નામાંકન, ‘અરીસો’ (મ.કા.બો. ડૉ. ગિરીશ દાણી, મુંબઈ)ને ૧૦, ‘ભારતીબહેન ભૂલાં પડ્યાં’ (શો પીપલ, મુંબઈ) તથા ‘ઉર્ફે આલો’ (વ્હિસલ બ્લોઅર ગુ્રપ, અમદાવાદ)ને સાત-સાત તો ‘ડાર્ક સિક્રેટ’ (સ્વરમ્ એન્ટરટેઈનર, સુરત)ને પાંચ કેટેગરીમાં નામાંકન મળ્યા.
શનિવાર ૧૯ જાન્યુઆરીએ સાંજે ભવન્સ કેમ્પસ અંધેરીના પ્રાણગંગા થિયેટરમાં યોજાનારા ભવ્ય પારિતોષિક વિતરણ સમારંભમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કલાકાર-કસબી જેવી ૧૨ કેટેગરીમાં વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
પારિતોષિક વિતરણ સમારંભમાં તમે પણ હાજર રહી શકો છો અને ગીત-સંગીતસભર, મનોરંજક કાર્યક્રમના તમે પણ સાક્ષી બની શકો છો. એ માટે તમારે આટલું કરવાનું છે. ‘ચિત્રલેખા’ના આગામી અંક (તારીખ 28 જાન્યુઆરી, 2019, પ્રકાશિત તારીખ હશે 18 જાન્યુઆરી, 2019)માં કૂપન હશે, એ ભરીને તમારે થિયેટર પર પહોંચવાનું રહેશે અને બે વ્યક્તિ માટે પ્રવેશપત્ર વિનામૂલ્યે મેળવવાના રહેશે.