મુંબઈ – લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર જૂજ મહિના બાકી રહી ગયા છે અને આ વર્ષના અંતે કે આવતા વર્ષના આરંભે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે મુંબઈની મતદાર યાદીમાં 9 લાખ જેટલા બોગસ મતદારો છે.
નિરુપમે કહ્યું કે મુંબઈમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં આશરે 20 હજાર જેટલા નકલી મતદારોના નામ રજિસ્ટર કરવામાં આવ્યા છે. એક જ વ્યક્તિના નામે 11થી 13 જુદા જુદા મતદાર ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે.
નિરુપમે કહ્યું છે કે જો આ ચૂંટણીઓનાં પરિણામોમાં નકલી મતદારો ભાગ ભજવી જશે તો એ આપણા દેશની લોકશાહી માટે દુખદ દિવસ ગણાશે.
નિરુપમે કહ્યું કે મુંબઈમાં બોગસ મતદાર માફિયા ટોળકીઓ સક્રિય છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 20 હજાર તો પ્રત્યેક લોકસભા મતવિસ્તારમાં એકથી દોઢ લાખ જેટલા બોગસ મતદારો રજિસ્ટર થયા છે. આ બાબતમાં જિલ્લા અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
નિરુપમે કહ્યું છે કે એક જ ફોટાના નામ પર 11 મતદારોની નોંધણી કરવામાં આવી છે. બોગસ નામ અને બોગસ સરનામા તૈયાર કરવામાં આવ્યા છે. એક ઠેકાણે ફોટો પર શર્મા સંતોષી નામ હોય તો એ જ ફોટો પરથી બીજા મતદાર ઓળખપત્રો બન્યા છે જેની પર સાવંત, પાંડે, દુબે જેવા નામ નોંધવામાં આવ્યા છે.
નિરુપમે કહ્યું કે દિંડોશી, ચાંદિવલી, ગોવંડી, માનખુર્દ જેવા વિસ્તારોમાં બોગસ મતદારોની નોંધણી કરાયાનું ધ્યાનમાં આવ્યું છે.
નિરુપમનો દાવો છે કે અનેક અધિકારીઓ જ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. ચૂંટણી પંચે આવા બોગસ મતદારોનાં નામ કાઢી નાખવા જોઈએ. ‘એકલવ્ય’ નામના એક સોફ્ટવેરની મદદથી આ જાણકારી મળી હોવાનું નિરુપમનું કહેવું છે.