મુંબઈ: દેશમાં નોકરીઓની સ્થિતિ ઘણી જ ખરાબ છે. એ વાત તાજેતરમાં ત્યારે સામે આવી, જ્યારે મહારાષ્ટ્રના મંત્રાલય (રાજ્ય સચિવાલય)માં 13 કેન્ટીન વેઈટર્સ માટે અરજીઓ મંગાવાઈ હતી અને તેના માટે લગભગ 7,000 અરજીઓ આવી ગઈ.
મહત્વની વાત એ છે કે, આ જગ્યાઓ ચોથા ધોરણ પાસ માટેની છે, જ્યારે અરજીઓ કરનારાઓમાં મોટાભાગના ગ્રેજ્યુએટ છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, આ પદો માટે 100 માર્કસની લેખિત પરીક્ષા લેવાઈ હતી. અરજી કરવા માટે શૈક્ષણિક યોગ્યતા ચોથુ ધોરણ પાસ છે.
અધિકારી મુજબ, ‘પરીક્ષાની ઔપચારિકતાઓ 31 ડિસેમ્બરે પૂરી થઈ. હાલ જોઈનિંગ પ્રક્રિયા ચાલુ છે. પસંદ કરાયેલા 13 ઉમેદવારોમાં આઠ પુરુષો છે, જ્યારે બાકીની મહિલાઓ છે. તેમાંથી બે-ત્રણ લોકોએ દસ્તાવેજ જમા નથી કરાવ્યા. પરિણામે તેમણે સત્તાવાર રીતે કામ કરવાનું શરૂ નથી કર્યું.’ અધિકારીના જણાવ્યા મુજબ, ‘પસંદ કરાયેલા લોકોમાં 12 ગ્રેજ્યુએટ છે, જ્યારે એક 12મું ધોરણ પાસ છે. આ 13 પદો માટે મોટાભાગના ગ્રેજ્યુએટ લોકોએ અરજી કરી હતી. તો, બાકી 12મું ધોરણ પાસ હતા. પસંદ કરાયેલા ઉમેદવારો 25થી 27ની વચ્ચેના છે.
દેશમાં નોકરીઓની આ સ્થિતિ એવા સમયે સામે આવી છે, જ્યારે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ગ્રેજ્યુએટને મંત્રાલય કેન્ટીનમાં વેઈટર તરીકે રાખવા પર વિધાનસભામાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ રાજ્ય સરકારની ટીકા કરી. તેમણે કહ્યું કે, ‘પ્રધાનો અને સચિવોએ શિક્ષિત લોકોની સેવા લેવા પર શરમ આવવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘માત્ર 13 પદો માટે 7,000 અરજી દેશ અને મહારાષ્ટ્રમાં રોજગારીની સ્થિતિનું સ્પષ્ટ ઉદાહરણ છે. આ ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગ્રેજ્યુએટ આ પદો માટે પસંદ કરાયા, જ્યારે યોગ્યતા ચાથુ ધોરણ પાસ હતી.’ મુંડે દાવો કર્યો કે, સરકાર તેના પર શરમ કરવાને બદલે તેને રાજ્યની પ્રગતિ તરીકે જોશે.