‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’માં વિજેતા બન્યું ‘એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ’ નાટક

મુંબઈ – મુંબઈના તેમજ ગુજરાતભરના નાટ્યરસિકો, કળારસિકોની ઉત્સૂક્તાનો આખરે 19 જાન્યુઆરી, શનિવારની રાતે અંત આવ્યો હતો જ્યારે ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ સ્પર્ધામાં વિજેતા નાટકની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમમાં ‘એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ’ નાટકને આ વખતની સ્પર્ધાનાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે સુરતસ્થિત આર્ટિઝમ થિયેટર સંસ્થાનું પ્રસ્તુતિકરણ હતું.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ (વર્ષ ૧૩મું)નું એ સાથે જ સમાપન થયું. શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કલાકાર-કસબી જેવી ૧૨ કેટેગરીમાં વિજેતાની જાહેરાત કરવામાં હતી.

ભવન્સ કેમ્પસ અંધેરીના પ્રાણગંગા એમ્ફીથિયેટરમાં ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’નો પારિતોષિક વિતરણ સમારંભ અને સાથે મનોરંજનની મહેફીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો રંગભૂમિના કદરદાન પ્રેક્ષકોએ મન ભરીને લ્હાવો લીધો હતો.

ગુજરાતી ભાષાની સાથે ગુજરાતી રંગભૂમિ, નાટ્યકળાને જીવંત રાખવામાં ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ મહત્ત્વનું પ્રદાન કરે છે.

શ્રેષ્ઠ નાટકની કેટેગરીમાં, પ્રથમ ઈનામ ‘એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ’ જીતી ગયું હતું તો દ્વિતીય ઈનામ બે નાટક વચ્ચે વિભાજીત કરવામાં આવ્યું હતું. આ બે નાટક છે – અરીસો (મ.કા.બો. – ડો. ગિરીશ દાણી, મુંબઈ) અને ભારતીબેન ભૂલાં પડ્યાં (શો પીપલ, મુંબઈ). આ જ કેટેગરીમાં તૃતિય ઈનામ ત્રણ નાટક વચ્ચે વિભાજીત કરવામાં આવ્યું હતું. ઉર્ફે આલો (વ્હિસલ બ્લોઅર ગ્રુપ, અમદાવાદ), ડાર્ક સીક્રેટ (સ્વરમ્ એન્ટરટેઈનર, સુરત) અને મનુ દામજી (પરમ, સુરત).

આ ઈનામ પ્રસિદ્ધ નાટ્યકાર અને નિર્ણાયકોમાંના એક, પ્રવીણ સોલંકી તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ વખતની સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતા માટેનું શફી ઈનામદાર પારિતોષિક (સૌજન્યઃ કાજલ ઓઝા વૈદ્ય) જીતવામાં સફળ રહ્યા પ્રશાંત ત્રિવેદી અને નિલેશ પરમાર. પ્રશાંત ત્રિવેદીને ‘મનુ દામજી’ જ્યારે નિલેશ પરમારને ‘ઉર્ફે આલો’ નાટકમાં કરેલા અભિનય બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ જ કેટેગરીમાં દ્વિતીય ઈનામ ઉમેશ જંગમ (અરીસો)ને ફાળે ગયું જ્યારે તૃતિય ઈનામ બે અભિનેતા વચ્ચે વહેંચી દેવાયું. સાગર ગોહિલને ‘એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ’ નાટક માટે અને સંજય પરમારને ‘ડાર્ક સીક્રેટ’ નાટકમાં કરેલી ભૂમિકા માટે.

શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું પદમારાણી પારિતોષિક (સૌજન્યઃ અરવિંદ રાઠોડ) જીતવામાં સફળ રહ્યાં ધ્વની ત્રિવેદી, ‘ડાર્ક સીક્રેટ’ નાટકમાં એમણે કરેલી ભૂમિકા બદલ. આ જ કેટેગરીમાં દ્વિતીય ઈનામ ગોપી દેસાઈ (ભારતીબેન ભૂલાં પડ્યાં)એ જીત્યું જ્યારે તૃતિય ઈનામ બે અભિનેત્રી વચ્ચે વહેંચી દેવામાં આવ્યું હતું. આ બે અભિનેત્રી છે – સુહાની જાગીરદાર (એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ) અને ડો. ક્રિષ્ના ઠાકર (ફાઈનલ ડ્રાફ્ટ).

શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં કાન્તિ મડિયા પારિતોષિક (સૌજન્યઃ મહેશ વકીલ) માટેનું પ્રથમ ઈનામ ગિરીશ સોલંકી (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ)એ જીત્યું છે. આ કેટેગરીમાં, દ્વિતીય ઈનામ મૌલિકરાજ શ્રીમાળી (ઉર્ફે આલો) અને ઉમેશ જંગમ (અરીસો) વચ્ચે વિભાજીત થયું છે જ્યારે તૃતિય ઈનામના વિજેતા  છે, હરીશ લુહાર (ડાર્ક સીક્રેટ).

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’માં યુવા ટેલેન્ટને પ્રેરણા મળી રહે એ માટે દર વર્ષે ‘શ્રેષ્ઠ યુવા પ્રતિભા’ માટે ‘જય કોટક પારિતોષિક’ આપવામાં આવે છે. આ વર્ષનું ‘જય કોટક પારિતોષિક (સૌજન્યઃ મૌલિક કોટક)’નો વિજેતા નીવડ્યો સૌમ્ય પંડ્યા જેને ‘#સ્ટોરી’ નાટકમાં કરેલી ભૂમિકા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો.

‘તારક મહેતા પારિતોષિક’ (સૌજન્યઃ આસિતકુમાર મોદી-નિલા ટેલિફિલ્મ્સ) માટેનું ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’નું ઈનામ ત્રણ કસબીઓ વચ્ચે વહેચાઈ ગયું – મૌલિકરાજ શ્રીમાળી (ઉર્ફે આલો), ડો. ગિરીશ દાણી (અરીસો) અને ગૌરવ પંડ્યા (#સ્ટોરી).

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ના ઈનામવિજેતાઓની વિગત આ મુજબ છેઃ

શ્રેષ્ઠ નાટક

પ્રથમ ઈનામઃ એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ

દ્વિતીય ઈનામઃ અરીસો, ભારતીબેન ભૂલાં પડ્યાં

તૃતિય ઈનામઃ ઉર્ફે આલો, ડાર્ક સીક્રેટ, મનુ દામજી

શ્રેષ્ઠ અભિનેતા

પ્રથમ ઈનામઃ પ્રશાંત ત્રિવેદી (મનુ દામજી), નિલેશ પરમાર (ઉર્ફે આલો)

દ્વિતીય ઈનામઃ ઉમેશ જંગમ (અરીસો)

તૃતિય ઈનામઃ સાગર ગોહિલ (એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ), સંજય પરમાર (ડાર્ક સીક્રેટ)

શ્રેષ્ઠ અભિનેત્રી

પ્રથમ ઈનામઃ ધ્વની ત્રિવેદી (ડાર્ક સીક્રેટ)

દ્વિતીય ઈનામઃ ગોપી દેસાઈ (ભારતીબેન ભૂલાં પડ્યાં)

તૃતિય ઈનામઃ સુહાની જાગીરદાર (એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ) અને ડો. ક્રિષ્ના ઠાકર (ફાઈનલ ડ્રાફ્ટ)

શ્રેષ્ઠ દિગ્દર્શક

પ્રથમ ઈનામઃ ગિરીશ સોલંકી (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ)

દ્વિતીય ઈનામઃ મૌલિકરાજ શ્રીમાળી (ઉર્ફે આલો) અને ઉમેશ જંગમ (અરીસો)

તૃતિય ઈનામઃ હરીશ લુહાર (ડાર્ક સીક્રેટ)

શ્રેષ્ઠ નાટક (પ્રોત્સાહન ઈનામ)

જીના ઈસીકા નામ હૈ (ધુમકેતુ નાટ્ય સંસ્થા, મુંબઈ), ફાઈનલ ડ્રાફ્ટ (વૈભવ સોની, વડોદરા) અને ઋણાનુબંધ (રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત).

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

પ્રથમ ઈનામઃ ગિરીશ સોલંકી (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ) અને કેવીન જોશી (અરીસો)

દ્વિતીય ઈનામઃ મેઘ પંડિત (મનુ દામજી) અને ડો. ગિરીશ દાણી (અરીસો)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

પ્રથમ ઈનામઃ કિંજલ ભટ્ટ (ભારતીબેન ભલાં પડ્યાં)

દ્વિતીય ઈનામઃ પૂજા રુમાલે (મનુ દામજી)

શ્રેષ્ઠ યુવા પ્રતિભા – જય કોટક પારિતોષિક

સૌમ્ય પંડ્યા (#સ્ટોરી)

શ્રેષ્ઠ મૌલિક કૃતિ

મૌલિકરાજ શ્રીમાળી (ઉર્ફે આલો), ડો. ગિરીશ દાણી (અરીસો) અને ગૌરવ પંડ્યા (#સ્ટોરી)

શ્રેષ્ઠ કલા નિર્દેશન

ગિરીશ સોલંકી (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ)

શ્રેષ્ઠ પ્રકાશ રચના

હરીશ લુહાર (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ)

શ્રેષ્ઠ સંગીત આયોજન

સાગર ગોહિલ – આગમ જૈન (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ)

શ્રેષ્ઠ વેશભૂષા

ગિરીશ સોલંકી – સાગર ગોહિલ (એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ)

પ્રવીણ સોલંકીએ એમના સંબોધનમાં કહ્યું હતું કે ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ એક અનોખો વિક્રમ ધરાવે છે. સતત 13 વર્ષ સુધી અને સાતત્યપૂર્ણ રીતે તેમજ 40-45 એન્ટ્રીઓવાળી નાટ્યસ્પર્ધાનું સંચાલન કરનાર ભવન્સ કલ્ચરલ સેન્ટર એકમાત્ર સંસ્થા છે. ‘હમેં ખેલ સે નહીં, હમેં તો ખેલનેવાલોં સે મતલબ હૈ,’ એમ તેમણે તાળીઓનાં ગડગડાટ વચ્ચે કહ્યું. આ વખતની સ્પર્ધા માટે મુંબઈ-ગુજરાત સહિત ભારતભરમાંથી 48 નાટકો માટે એન્ટ્રી આવી હતી. એમાંથી પ્રારંભિક રાઉન્ડમાં 21 નાટક પસંદ કરાયા હતા, જે ભાવનગર, અમદાવાદ અને નવસારીમાં ભજવાયા હતા. એમાંથી આખરી રાઉન્ડના 11 નાટકોની ભજવણી ભવન્સ, ચોપાટી, મુંબઈમાં રજૂ થયા હતા. નવા કલાકારોને એમની કલા બતાવવા તેમજ નિપુણ લોકોને નવું કરવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ચિત્રલેખા નાટ્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

કાર્યક્રમમાં નિર્ણાયકોમાંના એક કપિલદેવ શુક્લ તથા રાજુ જોશી, ગુજરાતી રંગભૂમિના કલાકાર દેવેન્દ્ર પંડિત, રંગભૂમિના ટેક્નિકલ બાબતોના નિષ્ણાત ગૌતમ જોશી, રંગભૂમિ કલાકારો શરદ વ્યાસ અને હોમી વાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા કલાકાર-કસબીઓને એવોર્ડ્સ એનાયત કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કોરિયોગ્રાફર હેતલ જોશીનાં સાથી કલાકારો દ્વારા ‘ગણેશ વંદના’થી કરવામાં આવી હતી. એકતા ડાંગરે ‘પૃથ્વીવલ્લભ’ એકોક્તિ રજૂ કરી હતી, સેજલ પોંદાએ ‘ઝંકુ ડોસી’ એકોક્તિ રજૂ કરી હતી, સુભાષ ઠાકરે એમની હાસ્યકળા વડે વાતાવરણમાં રમૂજ ફેલાવી હતી તો પંકજ કક્કડ અને રાગેશ્વરીએ સોલો તેમજ ડ્યૂએટ ગીતો ગાઈને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું.

તે છતાં ઈનામ વિતરણ કાર્યક્રમમાં મનોરંજન હિસ્સાની વિશેષતા બની રહ્યાં હતાં રંગભૂમિ તથા ફિલ્મોનાં પીઢ અભિનેત્રી સુજાતા મહેતા. એમણે પ્રવીણ સોલંકી રચિત એક સમાન સંવાદ પર વિવિધ 9 પ્રકારનાં – ‘નવ રસ’ આધારિત અભિનય કર્યો હતો. હાસ્ય, શ્રૃંગાર, કરુણ, બિભત્સ, શાંત, રૌદ્ર, ભયાનક, વીર જેવા વિવિધ રસ પર એમનો self-express સ્ટેજ પરફોર્મન્સ જોઈને પ્રેક્ષકો આફરીન પોકારી ઉઠ્યાં હતાં. સુજાતા મહેતાએ કહ્યું કે, ‘ઈશ્વરે મને એક્ટર બનાવી છે એ બદલ હું પોતાને ભાગ્યવાન સમજું છું અને હું જીવીશ ત્યાં સુધી અભિનય કરતી રહીશ.’

હેતલ જોશી તથા એમનાં ગ્રુપે ગુજરાતી સંસ્કૃતિ આધારિત સમૂહ નૃત્ય પેશ કર્યું હતું.

આ વખતની નાટ્યસ્પર્ધાની અંતિમ સ્પર્ધા ૧૩ જાન્યુઆરીએ મુંબઈના ભવન્સ સભાગૃહમાં યોજાઈ હતી. ભાવનગર અને અમદાવાદમાં છ-છ અને નવસારીમાં સાત મળી કુલ ૧૯ નાટકની ભજવણી પછી મુંબઈમાં અંતિમ સ્પર્ધા માટે ૧૧ નાટકની પસંદગી નિર્ણાયકોએ કરી હતી.

અંતિમ સ્પર્ધાના આખરી નાટકના મંચન પછી એવૉર્ડ્સ માટે નામાંકન જાહેર કરવામાં આવ્યા હતા.

‘એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ’ (આર્ટિઝમ થિયેટર, સુરત)ને ૧૧ નામાંકન, ‘અરીસો’ (મ.કા.બો. ડૉ. ગિરીશ દાણી, મુંબઈ)ને ૧૦, ‘ભારતીબહેન ભૂલાં પડ્યાં’ (શો પીપલ, મુંબઈ) તથા ‘ઉર્ફે આલો’ (વ્હિસલ બ્લોઅર ગુ્રપ, અમદાવાદ)ને સાત-સાત તો ‘ડાર્ક સિક્રેટ’ (સ્વરમ્ એન્ટરટેઈનર, સુરત)ને પાંચ કેટેગરીમાં નામાંકન મળ્યા હતા.

સમગ્ર પારિતોષિક વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રીતિ શાહે કર્યું હતું. એમણે કહ્યું કે હું ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ના ઈનામ વિતરણ કાર્યક્રમનું છેલ્લા સાત વર્ષથી સંચાલન કરું છું. આ સ્પર્ધા કલાકાર-કસબીઓ માટે ખૂબ મહેનત માગી લેનારી છે તેથી કાર્યક્રમનું સંચાલન કરવા મળ્યું એને હું મારું સદ્દભાગ્ય સમજું છું.

ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના રમાકાંત ભગતે તમામ પ્રાયોજકો, સ્પર્ધકો અને પ્રેક્ષકોનો આભારવિધિ વ્યક્ત કર્યો હતો.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ના અન્ય સહયોગીઓ હતાંઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજ થિયેટર-રાજવી જોશી (મુંબઈ), ભવન્સ કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ.

(સમગ્ર ઈનામ વિતરણ સમારંભની વધુ તસવીરો)







શ્રેષ્ઠ દિગ્દર્શકનું ઈનામ નીતિનાબહેન મડિયાનાં હસ્તે


રાજુલ દીવાન દ્વારા એકોક્તિની રજૂઆત










‘જય કોટક સ્મૃતિ પારિતોષિક (સૌજન્યઃ મૌલિક કોટક)’ વિજેતા બન્યો જામનગરનિવાસી સૌમ્ય પંડ્યા, જે હાજર રહી શક્યો નહોતો




‘તારક મહેતા પારિતોષિક’ (સૌજન્યઃ આસિતકુમાર મોદી-નિલા ટેલિફિલ્મ્સ) માટેનું ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’નું ઈનામ વિભાજીત થયું




સેજલ પોંદા


સેજલ પોંદા








'નવરસ': સુજાતા મહેતાનો પ્રશંસનીય સ્ટેજ પરફોર્મન્સ


સુજાતા મહેતાનો પ્રશંસનીય સ્ટેજ પરફોર્મન્સ


સુભાષ ઠાકર


પંકજ કક્કડ


એકતા ડાંગર દ્વારા પૃથ્વીવલ્લભ એકોક્તિ


ગણેશ વંદના સાથે કાર્યક્રમનો આરંભ




અહેવાલઃ મનોજ મોતીવાલા

તસવીરોઃ દીપક ધુરી

httpss://youtu.be/KB4RJd8VgPM