મુંબઈ – બોલીવૂડ અભિનેત્રીમાંથી નેતા બનેલાં ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી આજે રાજીનામું આપી દીધું છે. આ માટે એમણે મુંબઈ કોંગ્રેસમાં ચાલતા ‘તુચ્છ’ આંતરિક રાજકારણનું કારણ આપ્યું છે. ‘પક્ષનું આંતરિક રાજકારણ લડવા માટે કોઈ મારો ઉપયોગ કરે એવું પસંદ કરતી નહોતી, એમ તેમણે જણાવ્યું છે.
ઉર્મિલા ગઈ વેળાની લોકસભાની ચૂંટણી મુંબઈમાંથી લડ્યાં હતાં, પણ હારી ગયાં હતાં.
ઉર્મિલાએ મુંબઈ-ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી હતી, પણ ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સામે એમનો પરાજય થયો હતો.
મુંબઈ કોંગ્રેસમાં ઘેરી હૂંસાતૂંસી ચાલી રહી છે અને ઉર્મિલાનું રાજીનામું સાબિત કરે છે કે એ આંતરિક ગજગ્રાહ ધાર્યા કરતાં વધારે ઘેરો છે.
ઉર્મિલાએ ટ્વીટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. જણાવ્યું છે કે મારી રાજકીય અને સામાજિક સંવેદના પક્ષના સ્થાપિત હિતોને મારો ઉપયોગ મુંબઈ કોંગ્રેસમાં મોટા ધ્યેય હાંસલ કરાવવાને બદલે નિમ્ન સ્તરના આંતરિક રાજકારણ લડવા માટે કરે એનો ઈનકાર કરે છે.
ઉર્મિલા લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં જોડાયાં હતાં. ચૂંટણી પ્રચાર વખતે ઉર્મિલા નવા જ રંગમાં જોવા મળ્યાં હતાં. એમણે પોતાનો જોરદાર રીતે પ્રચાર કર્યો હતો, પરંતુ જીતી શક્યાં નહોતાં.
ઉર્મિલાએ કહ્યું છે કે, ‘પક્ષમાં કેટલું બધું હીણ કક્ષાનું આંતરિક રાજકારણ ચાલે છે એ વિશે મેં ગઈ 16 મેએ પત્ર લખ્યો હતો, પરંતુ તેની પર કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. મેં જેમની વિશે ફરિયાદ કરી હતી એમને જ પદ આપવામાં આવ્યું હતું. રાજકારણમાં કોઈ મારો ઉપયોગ કરે નહીં એવું મેં નક્કી કર્યું હતું. એટલે જ હું પક્ષમાંથી બહાર નીકળી ગઈ છું. જોકે મુંબઈ શહેર માટે અને જનતા માટે હું સેવા બજાવવાનું ચાલુ જ રાખીશ.’