મુંબઈમાં 10 ઈલેક્ટ્રિક બસોને સેવામાં ઉતારવામાં આવી

મુંબઈ – મહારાષ્ટ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન અને મુંબઈના ચારકોપ વિસ્તારના ગુજરાતી વિધાનસભ્ય યોગેશ સાગર તથા શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શહેરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી ‘બેસ્ટ’ કંપનીની 10 ઈલેક્ટ્રિક બસોને પહેલી જ વાર રસ્તા પર ઉતારી છે. બંને નેતાએ દક્ષિણ મુંબઈ ખાતેના BEST ભવન ખાતે આજે આ બસોનું ઉદઘાટન કર્યું હતું.

શિવસેના-ભાજપ સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ‘બેસ્ટ’ કંપનીએ 46 ઈલેક્ટ્રિક બસો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. એમાંની 10 બસોનો કાફલો એને મળ્યો છે એ બસોને રસ્તા પર સેવામાં મૂકવામાં આવી છે.

યોગેશ સાગર, ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્ટ્રિક બસમાં પ્રવાસ પણ કર્યો હતો

આ ઈલેક્ટ્રિક બસો ‘બેસ્ટ’ કંપનીને ઓલેક્ટ્રા-BYD કંપની પાસેથી મળી છે.

આવી 46 બસ શરૂ થયા બાદ મુંબઈના રસ્તાઓ પર 1.2 કરોડ ટનનો કાર્બન ડાયોક્સાઈડ ઓછો થઈ જશે. વળી, ‘બેસ્ટ’ કંપની દર વર્ષે 37 લાખ લીટર ડિઝલનો ઉપયોગ પણ ટાળી શકશે અને એ રીતે ઘણો ખર્ચો બચાવી શકશે.

પ્રત્યેક બસ 9 મીટર લાંબી છે.

‘બેસ્ટ’ કંપનીએ આ ઉપરાંત બસપ્રવાસીઓની સુવિધા માટે એક મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે જેનું નામ રાખ્યું છે – ‘BEST પ્રવાસ’. આ એપ દ્વારા પ્રવાસીઓ બસ કયા રસ્તા પર ક્યાં પહોંચી એની જાણકારી મેળવી શકશે. ટૂંકમાં, લોકલ ટ્રેનની માફક પ્રવાસીઓ કોઈ પણ બસને ટ્રેક કરી શકશે.

એપમાંના બસ ટ્રેકિંગ ફીચરથી શહેરના આશરે 50 લાખ જેટલા ‘બેસ્ટ’ બસપ્રવાસીઓને સુવિધા અને રાહત પ્રાપ્ત થશે.

આ એપ દ્વારા પ્રવાસી બસમાં બેઠાં બેઠાં પણ જાણી શકશે કે તેની બસ કેટલે પહોંચી અને એનું ગંતવ્ય સ્થાન કેટલું દૂર છે.