મુંબઈ – દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં તાંડેલ સ્ટ્રીટમાં આવેલું 100 વર્ષ જૂનું 4-માળનું ‘કેસરબાઈ’ બિલ્ડીંગ આજે સવારે ધરાશાયી થતાં 10 જણના મરણ થયાં છે. બીજાં અનેક ઘાયલ થયા છે. 40થી 50 જેટલા લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાની આશંકા છે. અગ્નિશમન દળ દ્વારા બચાવ કાર્ય ચાલુ છે.
આ મકાન હોનારત આજે સવારે 11.40 વાગે થઈ હતી. એની જાણ થતાં જ પોલીસ દળ, NDRFની ટીમના જવાનો તેમજ અગ્નિશમન દળના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
આ બિલ્ડીંગ અત્યંત ગીચ વિસ્તારમાં આવેલું છે. તેની લગોલગ અન્ય બાંધકામો થયા હોવાથી બચાવ કાર્યમાં અડચણ આવી હતી. એટલે સુધી કે ઍમ્બ્યુલન્સનું પાર્કિંગ પણ 50 મીટર દૂર કરવું પડ્યું હતું.
પરંતુ ત્યાંના સ્થાનિકોએ આ બાબતે કોઠાસૂઝ વાપરીને કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે માનવ સાંકળ બનાવી હતી અને એક એક ઈંટથી માંડીને કોન્ક્રિટના સ્લેબ ઉંચકવાનું કામ હાથ ધર્યું હતું. એમાંથી એક બાળકને બચાવીને રાહત કાર્ય ટીમને સોંપાતો હોવાનું દૂરદર્શનના સમાચારમાં પણ પ્રસારિત થયું છે. અધિકારીના જણાવ્યા મુજબ આ બાળક જીવતું છે.
બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ‘અત્યાર સુધીમાં પાંચ જણને બહાર કાઢવામાં આવ્યા છે.’
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મને મળતી માહિતી પ્રમાણે લગભગ પંદરેક પરિવાર આ કાટમાળમાં ફસાયા છે. આ બિલ્ડીંગ 100 વર્ષ જૂનું છે, પરંતુ એની યાદી કોઈ જર્જરિત મકાન હેઠળ નથી આવતી કે રીડેવલપમેન્ટ હેઠળ પણ નથી. તે છતાં આ બાબતની તપાસ તો થશે જ. પણ અત્યારે તો અમારી પ્રાથમિકતા કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને ઉગારવાની છે.’
એક રહેવાસીએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ મ્હાડાનું છે. પરંતુ મ્હાડા રિપેર બોર્ડના અધિકારી વિનોદ ઘોસાલકરે જણાવ્યું કે, ‘આ બિલ્ડીંગ મ્હાડા અંતર્ગત નથી આવતું.’
રાજ્યના ગૃહનિર્માણ મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે આ બાબતે દિલસોજી જાહેર કરી છે.
આજની આ ઘટના બાદ મહાનગરપાલિકાએ આજુબાજુની જોખમી બિલ્ડીંગોને ખાલી કરાવવા માંડી છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસે પાંચ મૃતકોનાં નામ આ પ્રમાણે આપ્યાં છેઃ
સાબિયા નિસાર શેખ (મહિલા, 25 વર્ષ)
અબ્દુલ સત્તાર કાલુ શેખ (પુરુષ, 55 વર્ષ)
મુઝમ્મીલ મન્સૂર સલમાની (પુરુષ, 15 વર્ષ)
સાયરા રેહાન શેખ (મહિલા, 25 વર્ષ)
જાવેદ ઈસ્માઈલ (પુરુષ, 35 વર્ષ)