મુંબઈના મેયરની કાર ‘નો પાર્કીંગ’ જગ્યાએ પાર્ક કરેલી દેખાતા વિવાદ

0
918

મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકા શહેરના રસ્તાઓ પર અનધિકૃત રીતે પાર્ક કરેલા વાહનો માટે તેમના માલિકો પાસેથી ઊંચી રકમનો દંડ વસૂલ કરી રહી છે ત્યારે મુંબઈના જ મેયર વિશ્વનાથ મહાડેશ્વરની કાર એક રસ્તા પર અનધિકૃત રીતે પાર્ક કરેલી જોવા મળી હતી. આ સમાચાર એક અખબારમાં પ્રકાશિત થયા બાદ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં થોડાક દિવસોથી મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં અનધિકૃત રીતે પાર્ક કરાતા વાહનો માટે તેમના માલિકો પાસેથી દંડ વસૂલ કરવાની જોરદાર ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં તેમણે કરોડો રૂપિયા વસૂલી લીધા છે. પરંતુ એવું લાગે છે કે, આ ઝુંબેશની મુંબઈના મેયરને કોઈ દરકાર નથી લાગતી. કેમ કે, એમની સત્તાવાર કાર મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં આવેલી ‘માલવણી આસ્વાદ’ નામની એક હોટેલની બહાર ‘નો પાર્કિંગ’ જગ્યાએ પાર્ક કરેલી જોવા મળી હતી. આ કારના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થઈ ગયા હોવા છતાં મહાનગરપાલિકાએ મેયર પાસેથી કોઈ દંડ વસૂલ કર્યો નથી કે કોઈ જરૂરી કાર્યવાહી પણ કરી નથી. પાલિકાના આ ભેદભાવની લોકો ટીકા કરી રહ્યાં છે.

આ વિશે મહાડેશ્વરનું ધ્યાન દોરવામાં આવ્યું તો એમણે કહ્યું કે,’મેં કોઈ નિયમનું ઉલ્લંઘન નથી કર્યું, કારણ કે, મારી કાર ‘નો પાર્કિંગ’ જગ્યાએ પાર્ક કરી નહોતી. એ તો મારે ત્યાં ઉતરવું હતું એટલા પૂરતી જ કાર ઉભી રાખવામાં આવી હતી. તે છતાં મહાનગરપાલિકા જો કોઈ દંડની પાવતી મોકલાવશે તો એ હું ભરવા તૈયાર છું.’

મુંબઈ મહાનગરપાલિકાએ થોડા દિવસ પૂર્વે પાર્કિંગ વિષયક નવા નિયમો લાગૂ કર્યાં છે. તે પ્રમાણે ‘નો પાર્કિંગ’ તરીકે નિશ્ચિત કરેલા 500 મીટર વિસ્તારમાં ગેરરીતે પાર્ક કરેલા વાહનના માલિકો પાસેથી 5થી લઈને 15 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. એ જોતાં મેયર વિશ્વનાથ મહાડેશ્વરને પણ 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગૂ થઈ શકે એમ છે. પરંતુ પાલિકાએ એ બાબતથી કોઈ કાર્યવાહી કરી નથી.

પાલિકાએ પાર્કિંગ માટે જે નવા નિયમો જાહેર કર્યાં છે તે મુજબ, ‘નાગરિકો માટે 146 ઠેકાણે વાહન પાર્કિંગ માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તે છતાં, જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરે તો તેમને તે પ્રમાણેની રકમ દંડ તરીકે લાગૂ કરવામાં આવશે. જો એ વ્યક્તિ દંડની રકમ ન ભરે તો, તેમનું વાહન ‘ટોઈંગ મશીન’ દ્વારા ઉંચકી જવામાં આવશે. 30 દિવસની અંદર વાહન છોડાવવા માટે જો કોઈ નહીં આવે તો, વાહનને લાવારિસ ગણીને તેનું લિલામ કરવામાં આવશે.’ એવું પાલિકાએ જાહેર કર્યું છે.