મુંબઈ – અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરના માલવણી વિસ્તારની એક ચાલમાં આજે સવારે રાંધણ ગેસનું એક સિલીન્ડર ફાટતાં આગ લાગી હતી અને દીવાલ પણ તૂટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 35 વર્ષની એક મહિલાનું દાઝી જવાને કારણે મૃત્યુ થયું છે તથા અન્ય 4 જણ ઘાયલ થયા છે.
આ દુર્ઘટના માલવણી વિસ્તારમાં આવેલી એમ.એચ.બી. કોલોનીની એક ચાલમાં સવારે 9.10 વાગ્યે થઈ હતી.
ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ તથા ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા.
ભારત માતા સ્કૂલ નજીકની ચાલમાં થયેલા સિલીન્ડર વિસ્ફોટને કારણે દીવાલ તૂટી પડી હતી. એના કાટમાળ નીચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા. એમને બહાર કાઢવામાં આવ્યા હાત. પરંતુ મંજુ આનંદ નામની એક મહિલાનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. એને સવારે 10.23 વાગ્યે મૃત જાહેર કરવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાંની 22 વર્ષીય મમતા પવારની હાલત ગંભીર છે. એ 80 ટકા જેટલી દાઝી ગઈ છે. અશ્વિની જાધવ નામની 26 વર્ષીય યુવતી 15 ટકા જેટલી દાઝી ગઈ છે. એની હાલત સ્થિર છે.
અન્ય બે ઘાયલ વ્યક્તિના નામ છે – શીતલ કાટે (44) અને સિદ્ધેશ ગોટે (19). એમને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.