કૌભાંડકારીઓનાં ધંધા બંધ થઈ જવાને કારણે આર્થિક મંદી આવી છેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કબૂલ કર્યું છે કે દેશના અર્થતંત્રમાં મંદી આવી છે. એમણે એમ પણ કહ્યું છે કે સરકાર આ મંદીની સ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી લેશે.

‘ધ ક્વિન્ટ’ને આપેલી મુલાકાતમાં ફડણવીસે આર્થિક મંદી આવવા વિશેના અમુક કારણો જણાવ્યા છે. એમણે એવી માન્યતા વ્યક્ત કરી છે કે કૌભાંડકારીઓનાં ધંધા બંધ થઈ ગયા હોવાને કારણે આર્થિક મંદી આવી છે.

ફડણવીસે કહ્યું છે કે દેશમાં જે લોકોને ટેક્સ ચૂકવવાની આદત છે એમને કોઈ નુકસાન નથી ગયું. દેશમાં મંદી આવવાનું એક કારણ એ પણ છે કે દેશભરમાં નવી કરવેરા પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ પદ્ધતિને કારણે ઘણા લોકોનાં ધંધા પર અવળી અસર પડી છે.

ફડણવીસે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારે જીએસટી કરવ્યવસ્થા લાગુ કરી છે. એનાથી કરચોરી થતી નથી. જે લોકોને ટેક્સ ચૂકવવાની આદત છે એમણે તો નવી પદ્ધતિમાં પોતાને એડજસ્ટ કરી લીધા છે. જેમને આદત નહોતી એવા લોકોનાં ધંધા પર માઠી અસર પડી છે, કારણ કે હવે ટેક્સની ચોરી બંધ થઈ ગઈ છે. ટેક્સ ચૂકવવો જ પડશે. આમ, એ લોકોના ધંધાનું મોડલ ખતમ થઈ ગયું છે.

અર્થતંત્રમાં આવેલી મંદી માટે ફડણવીસે આ પૂર્વેની યુપીએ સરકારને પણ જવાબદાર ગણાવી છે. એમણે કહ્યું છે કે 2014 પહેલાંની યુપીએ સરકારના શાસન વખતે અમુક લોકો અને ઉદ્યોગપતિઓએ બેન્કોને લૂંટી હતી એને કારણે પણ અર્થતંત્રને નુકસાન ભોગવવું પડ્યું છે. હવે નરેન્દ્ર મોદીની સરકારના રાજમાં એ લૂંટ અટકી ગઈ છે. મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ IBC જેવો કોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા એટલા માટે બનાવવામાં આવી છે કે નાણાકીય કૌભાંડો ન થાય. એવા કૌભાંડો કરનારાઓની સંપત્તિનું તાત્કાલિક લિલામ કરી દેવામાં આવશે. મતલબ કે એવા લોકો એમની સંપત્તિને ગાયબ કરે એ પહેલાં જ એમાંથી સરકાર વસૂલી કરી લેશે. આ નવી પદ્ધતિને કારણે કૌભાંડકારીઓ ઝપટમાં આવી ગયા છે. મોટા પાયે વસૂલી થઈ રહી છે. હજારો કરોડોની રકમમાં પૈસા વસૂલ કરવામાં આવ્યા છે. આની અસર થઈ છે. જે લોકો સરકાર અને જનતાનાં પૈસા લૂંટી રહ્યા હતા એમના ગોરખધંધા હવે બંધ થઈ ગયા છે.