3 ઓક્ટોબર પહેલાં હાજર થવાનું રાહુલ ગાંધીને મુંબઈની કોર્ટનું ફરમાન

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘કમાન્ડર-ઈન-થીફ’ કહેવા બદલ મુંબઈના ગિરગામ વિસ્તારની એક મેજિસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીને 3 ઓક્ટોબર પહેલા હાજર થવાનું સમન્સ મોકલ્યું છે.

રાહુલ ગાંધીએ ‘કમાન્ડર-ઈન-થીફ’ કમેન્ટ ગયા વર્ષની 20 સપ્ટેંબરે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલી વખતે કરી હતી. ભાજપના મુંબઈસ્થિત મહેશ શ્રીશ્રીમાળ નામના એક કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ રાફેલ ફાઈટર જેટ વિમાન વિશે સરકારે કરેલા સોદામાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે વડા પ્રધાન મોદીને ટાર્ગેટ બનાવીને કમેન્ટ કરી હતી.

મહેશ શ્રીશ્રીમાળી (ડાબે) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે

ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિના સભ્ય અને ભાજપ યુવા મોરચા, મહારાષ્ટ્ર પ્રદેશના પ્રદેશ સચિવ શ્રીશ્રીમાળનો આરોપ છે કે રાહુલ ગાંધીએ આવી કમેન્ટ કરીને વડા પ્રધાન મોદીની તેમજ ભાજપના કાર્યકર્તાઓની બદનામી કરી છે.

કેરળના વાયનાડમાંથી લોકસભામાં ચૂંટાઈ આવેલા રાહુલ ગાંધીને 3 ઓક્ટોબર પહેલાં કોર્ટમાં વ્યક્તિગત રીતે અથવા એમના લોયર મારફત હાજર થવાનો મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો છે.