મુંબઈ: વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જૂની રંગભૂમિના ગીતોની શિબિર

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી યુવાનો સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ વખતે અકાદમીએ વિદ્યાર્થીઓ તથા યુવાનો જૂની રંગભૂમિના ગીતો સમજે, માણે અને સાથે ગાવાની તાલીમ પણ લે એ માટે એક શિબિરનું આયોજન કર્યું છે.

સ્નેહલ મઝુમદાર, મીનળ પટેલ અને ઉત્કર્ષ મઝુમદાર

ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સહયોગથી 11 અને 18 જુલાઈના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 વાગ્યે કાલિદાસ સભાગૃહ, પહેલો માળ, ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહાર (પૂર્વ) ખાતે જૂની રંગભૂમિના ગીતોની શિબિર યોજાશે.

શિબિરનું સંચાલન વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદાર કરશે. એમની સાથે ગીતોની રજૂઆત માટે અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર તથા વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જોડાશે. આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાના છે તથા સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ. હિતેશ પંડ્યા અને ડૉ. પ્રીતિ દવેએ સંકલનમાં પોતાનું યોગદાન આપ્યું છે. શિબિરમાં સારી સંખ્યામાં વિવિધ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ નોંધણી કરાવી છે, પરંતુ હજી કેટલાક ભાવકોનો સમાવેશ શક્ય છે. નોંધણી માટે સંજય પંડ્યાનો 98210 60943 વ્હોટસએપ મેસેજથી સંપર્ક કરી શકો છો.