મુબંઈ: શિવસેના પોલિંગ બૂથ એજન્ટ શૌચાલયમાંથી મૃત હાલતમાં મળ્યા

મુંબઈ: ગત રોજ એટલે કે 20 મેના રોજ મુંબઈમાં મતદાન થયું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતાં. એવામાં ઘટના સામે આવી કે શિવસેના (UBT) પોલિંગ બૂથ એજન્ટ મનોહર નલગે મુંબઈના વરલી વિસ્તારમાં એક મતદાન મથકના શૌચાલયની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે. મુંબઈના એનએમ જોશી માર્ગ પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ADRમાં કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. આ માહિતી મુંબઈ પોલીસે આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મનોહર નલગે 62 વર્ષના હતા અને તેઓ મ્હસ્કર ઉદ્યાન, BDD ચાવલના એમ જોશી માર્ગ, ડેલિસલ રોડ, મુંબઈ-13ના રહેવાસી હતા. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે રાજ્યભરની 13 બેઠકો પર મતદાન થયું હતું. મતદાનના આ છેલ્લા તબક્કામાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું હતું. આ સિવાય પાંચમા તબક્કામાં ઈવીએમમાં ​​ખરાબી,પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ અને મતદાન મથકો પર સુવિધાઓનો અભાવ પણ જોવા મળ્યો હતો.

પોલીસે જણાવ્યું કે વોશરૂમ જતા પહેલા તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું,”મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.” સેના (યુબીટી)ના કાર્યકરોએ ચૂંટણી પંચ પર સમગ્ર શહેરમાં મતદાન મથકો પર યોગ્ય સુવિધાઓ ન આપવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં ઉપલબ્ધ નવીનતમ માહિતી અનુસાર, પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠકો પર સરેરાશ 54.33 ટકા મતદાન નોંધાયું છે. સીઈઓ ઓફિસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે અંતિમ આંકડા પછીથી જાહેર કરવામાં આવશે. સોમવારે 13 બેઠકો પર મતદાન દરમિયાન મુંબઈની છ લોકસભા બેઠકો પર સરેરાશ મતદાન ટકાવારી 52.27 ટકા હતી, જ્યારે 2019 સામાન્ય ચૂંટણીમાં તે 55.38 ટકા હતી.